વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે.
સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1 હજાર કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈ પણ શુભ કાર્ય પહેલા ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે.અને સદનસીબે ગણેશ ઉત્સવના પ્રસંગે સરદાર ધામ ભવનની શરૂઆત થઈ છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી અને અત્યારે આખો દેશ ગણેશોત્સવ ઉજવી રહ્યો છે. હું તમને બધાને ગણેશ ચતુર્થી અને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પાટીદાર સમાજની તો એક મોટી વિશેષતા છે કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાંના વેપારને નવી ઓળખ આપે છે. મોદીએ વધમાં કહ્યું હતું કે તમારું આ કૌશલ હવે ગુજરાત અને દેશમાં જ નહીં, સમગ્ર દુનિયામાં ઓળખવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજની અન્ય એક મોટી ખુબી છે, તેઑ જ્યાં પણ રહે, ભારતનું હિત તમારા માટે સર્વોચ્ચ રહે છે.
મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે સરદાર પટેલના નેતૃત્વમાં ખેડા આંદોલનમાં ખેડૂતો, યુવાનો અને ગરીબોની એકતાએ બ્રિટિશ સરકારને નમવા મજબૂર કર્યા હતા.તે પ્રેરણા, તે ઉર્જા આજે પણસરદાર સાહેબની ગગનચુંબી ઇમારત ગુજરાતની ધરતી પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે આપણી સામે ઉભી છે. આઝાદીના સંગ્રામમાં ગાંધીજીએ અહીંથી દાંડી યાત્રા શરૂ કરી હતી, જે આજે પણ દેશની આઝાદી માટેના સંયુક્ત પ્રયાસોનું પ્રતીક છે.વડાપ્રધાને મોદીએ નવી શિક્ષણ નીતિ, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને અન્ય યોજનાઓ વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે સ્કિલ ઇન્ડિયા આજે યુવાનો આના દ્વારા પોતાની પ્રતિભામાં સુધારો કરી રહ્યા છે. ગુજરાતના યુવાનો સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા આગળ વધી રહ્યા છે. ગુજરાતના લોકો જ્યાં પણ જાય છે. ત્યાં વેપારને નવી ઓળખ આપે છે. મોદીએ કહ્યું કે ગુજરાતની જનતાએ આપેલું યોગદાન નોંધપાત્ર છે. કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા કથળી રહી હતી ત્યારે ભારતનો જીડીપી વધી રહ્યો હતો. ભારત પાસે 21મી સદીમાં તકોની કોઈ કમી નથી. આપણે આપણી જાતને ગ્લોબલ લીડર તરીકે જોવાની છે.