2 વર્ષ પછી ગરબા રમી શકાશે, ગણેશજીની સ્થાપના, વિસર્જનમાં 15 લોકોની મર્યાદા નક્કી કરાઈ ,રાજ્ય સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોને શરતોને આધીન મંજૂરી આપી

Latest

ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું, પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમો 400 વ્યક્તિની હાજરીમાં યોજી શકાશે, એટલે કે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડી દીધો છે, જેમાં ખુલ્લામાં યોજાતા કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતા કાર્યક્રમમાં ક્ષમતાના પચાસ ટકા અને મહત્તમ 400 વ્યક્તિની હાજરીમાં આ કાર્યક્રમો યોજી શકાશે.

ગણેશ સ્થાપના અને વિસર્જન સમયે માત્ર 15 વ્યક્તિ સાથેના વરઘોડાની મંજૂરી આપી છે.
રાજ્ય સરકાર નવરાત્રિ સમયે વધુ એક નોટિફિકેશન બહાર પાડીને આયોજન તથા એસ.ઓ.પી ના પાલન અંગેની વધુ સ્પષ્ટતા કરતી ગાઇડલાઇન જાહેર કરશે, પરંતુ અત્યારથી નવરાત્રિના આયોજનને મંજૂરી સૈદ્ધાંતિક રીતે મળી એમ કહેવાશે. અત્યારથી આ જાહેરાત કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે કોમર્શિયલ ગરબા આયોજકોને તેમને કરવી પડતી જરૂરી તૈયારીનો સમય મળી રહેશે.
ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર 15 લોકોની મર્યાદા સાથે એક જ વાહનમાં કરી શકાશે.
ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો 400 લોકોની મર્યાદા સાથે જાહેર કાર્યક્રમો યોજી શકશે.
માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ નિર્ધારિત મર્યાદા સાથે થઇ શકશે.
ધાર્મિક ઉપરાંત સામાજિક તથા અન્ય વરઘોડાને મંજૂરી અપાઈ છે, એટલે કે લગ્નો, ધાર્મિક અનુષ્ઠાનો કે સંમેલનો ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં પણ 400 લોકોની મર્યાદા સાથે વરઘોડો કાઢી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *