હવે મેટ્રો માટે પણ ગાંધીનગરનાં 1000 વૃક્ષ કપાશે. સ્માર્ટસિટી અમદાવાદને ગ્રીનસિટી બનાવવા સત્તાધીશો મહેનત તો કરી રહ્યા છે, સાથે સાથે વિકાસનાં કામોને પણ વેગ આપવા અલગ અલગ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં છેલ્લાં 5 વર્ષમાં મેટ્રો રેલ માટે 2200 અને બુલેટ ટ્રેન માટે 4300 વૃક્ષ કાપવામાં આવ્યાં હતાં, જેમાં 2016-17માં મેટ્રો માટે સૌથી વધુ 792 ઝાડ કાપવામાં આવ્યાં હતાં, જ્યારે 5 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે માત્ર અમદાવાદમાં જ 4300 વૃક્ષો કપાઈ ગયાં હતાં, જેમાં વર્ષ 2020-21માં જ 2817 વૃક્ષો કપાયાં છે. આમ, અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું.હવે, અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરના એક હજારથી વધુ વૃક્ષોનો વારો આવી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતા 1000 જેટલા વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે. પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાના છે.