ટૂંક સમયમાં જ દેશમાં 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોરોના વેક્સિન મળવા લાગશે. કોર્બેવેક્સને બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ શુક્રવારે જણાવ્યું કે, જૈવિક ઈને 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ડી.જી.સી.આઈ ની મંજૂરી મળી છે. હૈદરાબાદ સ્થિત દવા કંપની બાયોલોજિકલ ઈની વેક્સિન કાર્બોવેક્સ ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જાય તેવી શક્યતા છે. તેના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલના પરિણામો સારા આવ્યા છે. કેન્દ્ર સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ કંપની સાથે 30 કરોડ વેક્સિન ડોઝનો કરાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે વેક્સિનના ઉત્પાદન માટે કંપનીને 1,500 કરોડ રૂપિયાની આગોતરી રાશિ આપી દેવાઈ છે. કંપની વેક્સિનનું ઉત્પાદન અને સ્ટોરેજ સપ્ટેમ્બર-ડિસેમ્બર 2021 દરમિયાન કરશે.