ગઈકાલે રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસ દ્વારા ડુપ્લિકેટ તબીબ પરેશ પટેલના ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા. અહીંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સતત બીજા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. તેની અન્ય જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે તે અલગ અલગ જગ્યાએથી એક્સપાયર થયેલા સીરપ કે જે કફ, કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો. સીરપને ડ્રમમાં નાખી એમાં ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવાનું લેબલ લગાવીને ઇમ્યુનિટી બૂસ્ટર, મધુમેહનાશક જેવા નામથી વેચતો હતો. આવી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.રાજકોટ શહેરના શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસે બોગસ ડોક્ટર પરેશ પટેલના ક્લિનિકમાં કિડનીની દવાના નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગને જાણ કરી સાથે રાખી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલથી ચાલતા આ દરોડા સતત બીજા દિવસે ચાલુ છે. દરમિયાન પોલીસે શંકાસ્પદ દવાનો જથ્થો કબજે કરી સેમ્પલ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ પરેશ પટેલની પૂછપરછ કરી દવાના લાઇસન્સની માગ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.