સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની પુખ્ત વયની અડધાથી વધુ વસતીને કોરોના વિરોધી રસીનો એક ડોઝ આપી દેવાયો છે. જ્યારે ૧૬ ટકાને બંને ડોઝ અપાયા છે. આ સાથે દેશમાં કોરોના વિરોધી રસીના ૬૭ કરોડથી વધુ ડોઝ અપાયા છે. સિક્કિમ, દાદરા અને નગર હવેલી તથા હિમાચલ પ્રદેશમાં પુખ્ત વયના બધા જ લોકોને રસીનો એક ડોઝ અપાયો છે. ઓગસ્ટમાં દૈનિક રસીકરણમાં નોંધપાત્ર વધારો થયો હતો. ગયા એક મહિનામાં સરેરાશ દૈનિક ૫૯.૨૯ લાખ ડોઝની સાથે ૧૮.૩૮ કરોડ ડોઝ અપાયા હતા. છેલ્લા સાત દિવસમાં સરેરાશ દૈનિક રસીના ૮૦.૨૭ લાખ ડોઝ અપાયા હતા. ૨૭મી અને ૩૧મી ઑગસ્ટે એક જ દિવસમાં એક કરોડથી વધુ ડોઝ અપાયા હતા. ગુરુવારે ૬૪.૭૦ લાખથી વધુ ડોઝ અપાયા હતા. દેશમાં કેરળ સિવાય અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ ઓછા હોવાથી શાળાઓ ખુલવા લાગી છે. પરિણામે સ્કૂલના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના રસીકરણના અભિયાનને કેન્દ્ર સરકારે ઝડપી બનાવ્યું છે. સરકારે જણાવ્યું કે સમગ્ર દેશમાં ૮૦ ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને કોરોના વિરોધી રસીનો એક ડોઝ આપી દેવાયો છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં કેટલાક દિવસમાં ઊછાળો આવતાં તહેવારોની મોસમમાં ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે ત્યારે ગુરુવારે નવા ૪૭,૦૯૨ કેસ નોંધાયા હતા, જે બે મહિનામાં સૌથી વધુ છે. આ સાથે કોરોનાના કુલ કેસ વધીને ૩.૨૮ કરોડ થયા છે. દેશમાં છેલ્લે ૬૩ દિવસ પહેલાં દૈનિક ૪૮,૭૮૬ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને ૩.૮૯ લાખ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૧,૪૦૨નો વધારો થયો છે. દેશમાં વધુ ૫૦૯નાં મોત સાથે મૃત્યુઆંક ૪.૩૯ લાખ થયો છે.