રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
લોકડાઉનના કારણે દાહોદમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના ૧૨૦૦ થી વધુ કામદારોને શ્રમિક વિશેષ ટ્રેન દ્વારા ગુરુવારે સાંજે વિશેષ શ્રમિક ટ્રેનમાં બેસાડીને વતન મોકલવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા શ્રમિકોને તેમના વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ શ્રમિકોની વતનવાપસી માટે નોંધણી સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ પૂર્વે પણ ગત્ત સપ્તાહ ૧૨૦૦ જેટલા શ્રમિકોને અલીગઢ સુધીની ટ્રેન મારફત તેના વતન મોકલવામાં આવ્યા હતા.
એસ. ટી. બસો શેલ્ટર હોમ સુધી મોકલી ત્યાંથી તેમને રેલ્વે સ્ટેશન સુધી લાવવામાં આવ્યા હતા. તે પૂર્વે તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. તમામ પ્રવાસીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. આ તબક્કે કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા પોલિસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે શ્રમિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી.