બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ શ્રીમતી સ્મૃતિ ઈરાનીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. કેન્દ્રીય મંત્રી શ્રીમતી ઇરાની સાથે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે પણ તેમની સાથે વડોદરાથી આ પ્રવાસમાં જોડાયાં હતાં.આ સ્વાગતમાં ગુજરાતના સચિવ કે.કે નિરાલા, SOUADTGA ના CEO રવિશંકરે પણ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન “રેડિયો યુનિટી 90 FM ની મુલાકાત લઈને વાર્તાલાપ કર્યો હતો. વાર્તાલાપમાં તેમના વિભાગને લગતા તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારે કરેલ કાર્યો પર ચર્ચા કરી હતી. તેમજ રેડિયો જોકી તરીકે કામ કરતા તમામ RJ નાં પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.