કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના કારણે દેશભરમાં લોક ડાઉન અમલી છે ત્યારે સરકાર દ્વારા રોજગારીનો પ્રશ્ન નિવારવા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. હાલ લોક ડાઉનના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવાનું કે અન્ય શહેરોમાં રોજગારી મેળવવાનું શક્ય નથી ત્યારે સરકાર શ્રમિકો, કારીગરોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે.
આ જ પ્રયાસોના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના અને મિશન મંગલમ યોજનાઓ હેઠળ વિવિધ કામોની શરૂઆત કરી શ્રમિકોને સ્થાનિક સ્તરે રોજગારી અપાઈ રહી છે. મોરવા (હ) તાલુકાના ખાબડા ગામની વસ્તી અંદાજે 4000 જેટલી છે. આ ગામમાં ડીઆરડીએ દ્વારા મનરેગા યોજના હેઠળ ગામ તળાવ ઉંડુ કરવાના કામની શરૂઆત કરી સ્થાનિકોની લોકડાઉન દરમિયાન રોજગારી મેળવવાની સમસ્યાનું નિવારણ કરવાનો સુંદર પ્રયાસ થયો છે. આ જ કામમાં રોજગારી મેળવતા ગામના જયાબેન પટેલ જણાવે છે કે તળાવ ઉંડુ કરવાના કામમાં રોજગારી મળતા પરિવારને ઘણો સારો આર્થિક ટેકો મળી રહે છે. આ ઉપરાંત કોરોનાના સંક્રમણના ભયને લઈને અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. માસ્ક, સેનેટાઈઝેશનનું વિતરણ કરી કામ કરતી વખતે એકબીજાથી અંતર જાળવવાનું, પોતાના સાધનો વાપરવાનું, અન્યોના સંપર્કમાં ન આવવું વગેરે બાબતો સમજાવવામાં આવી છે. અમે પણ 1-1 મીટરનું અંતર જળવાઈ રહે તે બાબતનો ખ્યાલ રાખી કામ કરીએ છીએ.ખાબડા ગામના કુલ 742 લોકો છેલ્લા 10 દિવસથી ગામ તળાવ ઉંડુ કરવાના આ કામમાં ખંતપૂર્વક લાગ્યા છે, જે માટે તેમને નવા દરો અનુસાર દૈનિક 224 રૂપિયાના ધોરણે ચૂકવણું કરવામાં આવે છે.
મોરવા તાલુકા પંચાયતના સુપરવાઈઝર છાયાબેન પાઠકે જણાવ્યું હતું કે ગરમીને ધ્યાનમાં રાખીને શ્રમિકો સવારે 8 થી 1 તેમજ બપોરે 3 થી 6 કામ કરે છે. ગામ તળાવની બાજુમાં જ છાંયડાની વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ અગાઉ આ યોજના હેઠળ ગામના 350 વ્યક્તિઓને રોજગારી મળી હતી પરંતુ આ વર્ષે લોક ડાઉનને ધ્યાનમાં રાખીને વધુ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે જણાવ્યું હતું કે લોક ડાઉન અમલમાં છે અને ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણનો પ્રભાવ નગણ્ય છે ત્ચારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવી ગ્રામજનોને સુરક્ષિત રાખવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા, પીએમએવાય, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાઓ અંતર્ગત કુલ 16,581 કામો હેઠળ 54,369 શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત કામના સ્થળોએ સંક્ર્મણનો ભય ન રહે તે માટે માર્ગદર્શિકા અનુસારના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે ખાબડા ગામના 742 શ્રમિકો માટે મનરેગા યોજના હેઠળનું આ કામ લોક ડાઉન દરમિયાન આશીર્વાદરૂપ બન્યું છે. 15મી જૂન સુધી આ કામ અંતર્ગત રોજગારી આપવાનું આયોજન હોઈ આ શ્રમિકો રોજગારી માટે નિશ્ચિંત બન્યા છે.