આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ અંત આવ્યો છે. વિવાનના પિતાના જણાવ્યા પ્રમાણે, વિવાનની અંતિમ ક્રિયા ગામડે કરવામાં આવશે. તેમણે વિવાનને બચાવવા મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.
છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વિવાનની સારવાર માટેનો ખર્ચ એકઠો કરવામાં આવી રહ્યો હતો. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર સામે અત્યારસુધીમાં મિશન દ્વારા 2 કરોડથી વધુની રકમ ભેગી કરી હતી. વિવાનના અચાનક થયેલા નિધન બાદ તેના પિતાએ વિવાન મિશનને કહ્યું હતું કે હવે કોઈપણ ફંડ ઉઘરાવવાની જરૂર નથી. જે પણ ફંડ ભેગું થયું છે વિવાનની સારવાર માટે એકઠી થયેલી તમામ રકમ સેવાકીય કામ પાછળ વાપરવામાં આવશે. વિવાનને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હતી. અગાઉ ધૈર્યરાજ માટે પણ આ પ્રકારની બીમારી માટે ઈન્જેક્શનની જરૂરિયાત હતી. ત્યારે તેના માટે 16 કરોડ રૂપિયા એકઠા થતાં હાલ તેની સારવાર મુંબઈમાં ચાલી રહી છે.વિવાનની સારવાર માટે 2 કરોડ ભેગા થયા.એને સેવાના કામ માટે વાપરવામાં આવશે. તેમણે સામાજિક સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો.વિવાનનાં માતા-પિતા તેને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યાં હતાં. જોકે રૂપિયા 16 કરોડ એકઠા થાય એ પહેલાં જ વિવાનનું અચાનક નિધન થયું છે. વિવાન એસએમએ ટાઇપ-1 એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલ એટ્રોફી (SMA-1) નામની ગંભીર બીમારીથી પીડિત હતો. ગુજરાતના બીજા એક બાળક ધૈર્યરાજને પણ આવી જ બીમારી હતી. ધૈર્યરાજ માટે પણ રૂપિયા 16 કરોડ એકઠા કરવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 16 કરોડ એકઠા થયા બાદ મુંબઈની હૉસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવી રહી છે.