અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ થોડા અંશે અંકુશમાં આવી ગયું છે.અને કોરોનાનાં નવા કેસ નું પ્રમાણ પણ ઘટી ગયું છે.ત્યારે હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ઉપાડો લીધો છે. અને મ્યુનિ.નાં ડે.કમિશનરે પણ ગંભીર નોંધ લઇ લાગતા વળગતાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પડેલાં ભારે વરસાદને પગલે તળાવોમાં થોડુ ઘણુ પાણી ભરાયું છે તેમજ ખુલ્લા પ્લોટ અને મેદાનમાં પણ પાણી ભરાયેલાં જોવા મળી રહ્યાં છે, જેમાં મચ્છરની ઉત્પત્તિ હવે શરૂ થશે અને તેના નિયંત્રણની કામગીરી શરૂ કરવી પડશે તેમ મેલેરિયા ખાતાનાં કર્મચારીઓનુ કહેવું છે.
મ્યુનિ.ના જણાવ્યા પ્રમાણે , શહેરમાં ગત વર્ષે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.ત્યારે સદનસીબે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અંકુશમાં રહ્યો હતો, પરંતુ હવે કોરોનાકાબુમાં આવતાજ પાણીજન્ય ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસો વધી રહ્યાં છે. તેવી જ રીતે મચ્છરનો ઉપદ્રવ વધતાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ તથા ચીકનગુનિયાનાં કેસ વધી ગયાં છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ સાતેય ઝોનની મેલેરીયા ખાતાની ટીમોને બાંધકામ સાઇટ્સનાં ચેકિંગમાં લગાડી દીધી છે. સાત ઝોનમાં મેલેરિયા ખાતાની ટીમોએ ૧૭૬ જેટલી સાઇટમાં મચ્છરનાં લારવા વગેરેની તપાસ કરતાં ૭૬ જગ્યાએ મચ્છરની ઉત્પત્તિ જણાઇ આવતાં નોટિસો ફટકારવાની સાથે ૩.૩૮ લાખ રૂપિયા વહિવટી ચાર્જ વસૂલ કર્યો હતો.