હોબાળાના કારણે લોકસભા બપોરે ૨વાગ્યા સુધી સ્થગિતકરવામાં આવી છે. હોબાળા અને વિરોધ વિશે મોદીએ કહ્યું કે, મને લાગતું હતું કે, આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે. કારણકે બહુ મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈઓ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદનો મોકો મળ્યો છે. તેમનો પરિચય કરાવવાનો આનંદ થયો , પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતના દીકરા મંત્રી બને તે અમુક લોકોને ગમ્યુ નથી. તેથી તેમનો પરિચય પણ કરાવવા નથી દેતા.આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા માટે ઊભા થયા હતા, ત્યારે વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થયાના 8 મિનિટ પછી પણ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતો હતો. આ વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિરોધ વ્યક્ત કર્યો તો વિપક્ષના સાંસદોએ વધારે હોબાળો અને નારેબાજી કરી હતી. સંસદમાં વિપક્ષનો ભારે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે હું આશા કરું છું કે દરેકે વેક્સિનનો એક ડોઝ લઈ લીધો હશે, તમામ સાંસદો અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે. વેક્સિન લાગ્યા પછી તમે બાહુબલી બની જાઓ છો. અત્યારસુધીમાં 40 કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલી બની ગયા છે.
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિપક્ષ તીખામાં તીખા સવાલ પૂછે, પરંતુ સરકારને જવાબ આપવા માટેની તક પણ આપે, જેથી દેશની જનતા સુધી સરકારનો અવાજ પહોંચે.
સંસદ પરિસરમાં મીડિયા સાથે ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું,કે ‘હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે તેઓ સતત પ્રશ્નો પૂછે, વારંવાર સવાલો પૂછે, પરંતુ શાંત વાતાવરણ જાળવી રાખે. સરકારને પણ જવાબ આપવા માટે પૂરતી તક આપે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સરકાર દેશના લોકો જે જવાબ ઇચ્છે છે એનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અંદરની વ્યવસ્થા પહેલાંની જેવી નથી. દરેક જણ સાથે મળીને બેસીને કામ કરશે, કેમ કે લગભગ દરેકનું વેક્સિનેશન થઈ ગયું છે. સંસદના ચોમાસુ સત્રમાં 2 નાણાકીય સહિત કુલ 31 બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. તેમજ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 22 જુલાઈથી સંસદની બહાર વિરોધ કરવાની ચેતવણી આપી છે. રવિવારે તેમણે આ મુદ્દે દિલ્હી પોલીસ સાથે બેઠક કરી હતી. એના પછી ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું હતું કે અમે પોલીસને કહ્યું છે કે 22 જુલાઈએ 200 લોકો સંસદ જશે અને ત્યાં ખેડૂત સંસદ ચલાવશે. અમે ક્યારેય સંસદને ઘેરાવ કરવાની વાત કરી નથી. આશા છે કે અમને મંજૂરી આપવામાં આવશે.
બીજી તરફ અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે તમામ પક્ષોએ કહ્યું છે કે ખેડૂત આંદોલન મોટો મુદ્દો છે. એનો ઉકેલ લાવવામાં આવે. લોકોના પ્રશ્નો ઉકેલાય ત્યારે જ ગૃહ ચાલશે.
પ્રદર્શનકારીઓ માટે પોલીસ તૈયાર છે
દિલ્હી પોલીસે ચોમાસુ સત્ર દરમિયાન ખેડૂત સંસદ ઘેરાવને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોનાં 7 મેટ્રો સ્ટેશન પર નજર રાખવા અને જો જરૂરી લાગ્યું હોય તો તેમને બંધ કરવા માટે પત્ર લખ્યો છે.