હવામાન વિભાગની આગાહી મુજબ, 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં , સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી , મહિસાગર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ તથા ખેડામાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર આગમન શરૂ થઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદે થોડો વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 5.31 ઈંચ સાથે મોસમનો સરેરાશ 19.63 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધીમાં 7.91 ઈંચ સાથે 28.72 ટકા વરસાદ નોંધાયો હતો.
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 21.69 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીમાં સરેરાશ 26.43 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 18.84 ટકા, મધ્ય ગુજરાતમાં 19.76 ટકા, સૌરાષ્ટ્રમાં 23.44 ટકા,દક્ષિણ ગુજરાતમાં 21.32 ટકા જેટલો વરસાદ થયો છે.