ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણ ગેસ સહિતના ભાવ વધી જતા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકરો દ્વારા ભાડાની સાયકલો લઈને સાયકલ યાત્રા કાઢવામાં આવી.મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાનો વિરોધ કરવા માટે સેકટર-26થી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ ખાદ્ય તેલના અસહ્ય ભાવ વધારાના કારણે લોકોના જીવનમાં આર્થિક તંગી આવી ગઈ છે. જીવન જરૂરિયાતની ચીજોના ભાવો વધી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું . ત્યારે તાજેતરમાં મહિલા કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે બેનરો સાથે વિરોધ કરી છાજિયાં લેવામાં આવ્યા હતા.આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સેકટર-26થી ઘ-5 સેકટર-16 સુધી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. જેનાં પગલે સાયકલ યાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસની સાયકલ યાત્રાના પગલે કાર્યકરો સવારથી જ સેકટર-26 ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં મોટાભાગના લોકો સાયકલ વિના આવ્યા હોવાથી કોંગ્રેસ દ્વારા આઈસર ગાડીમાં ગુડા હસ્તકની સાયકલો મંગાવવામાં આવી હતી. સેકટર-26 ડી માર્ટથી પ્રારંભ થઈ ટાટા ચોકડી, સત્યમશિવમ એપાર્ટમેન્ટ, સેકટર 24 ચંદ્ર સ્ટુડિયોથી નીકળી આર્ય સમાજ, સ્વામિનારાયણ મંદિર, સેકટર-23 ગુરુકુળ સ્કુલ તરફથી સિદ્ધાર્થ લો કોલેજ થી સેકટર-16 એચ.ડી.એફ.સી. બેંક પાસે પૂર્ણ થઈ હતી.