પાકિસ્તાનના લાહોરમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. લાહોર કિલ્લામાં ખોદકામ દરમિયાન ત્યાંથી એક 400 વર્ષ જૂની સુરંગ મળી આવી છે.જે આશ્ચર્યજનક વાત છે. સુરંગ 400 વર્ષ જૂની હોવા છતાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. લાહોર કિલ્લામાં કુલ 12 સ્મારકો છે .જેમાંથી કેટલાક સમ્રાટ અકબરના કાળના છે. આ સ્મારકોમાં છેલ્લા કેટલાક દિવસોથી સમારકામ ચાલી રહ્યું છે. સમારકામ દરમિયાન જ લોકોને આ સુરંગ મળી આવી હતી. અને તેની મજબૂતાઈ હજુ પણ પહેલા જેવી જ છે. આ સુરંગમાં હવા ઉજાસની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. અને અંદર હજુ પણ કેટલાક ગુપ્ત માર્ગ હશે તેવું માનવામાં આવે છે. . એક અહેવાલ પ્રમાણે આ સુરંગનો ઉપયોગ ગુપ્ત માર્ગ અને જળ નિકાસી માટે કરવામાં આવતો હતો .અને લાહોરની મધ્યમાં આવેલી આ સુરંગની દીવાલો ખૂબ જ મજબૂત છે. WCLAના સબ ઈજનેર હાફિજ ઉમરનના કહેવા પ્રમાણે જ્યારે મોતી મસ્જિદ અને મકતબ ખાનાના પુનર્વસન અને નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ખોદકામ દરમિયાન સુરંગના સંકેત મળી આવ્યા હતા. જૂના જળમાર્ગથી જળનિકાસી અને વર્ષા જળને સક્ષમ કરવા માટે 625 ફૂટ લાંબી સુરંગનું સમારકામ કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, ચોમાસા દરમિયાન કિલ્લાની સુરંગમાં પાણી ભરાઈ જતું હતું જેથી કિલ્લાના વિવિધ ભાગોને નુકસાન પહોંચતું હતું. ઉપરાંત ખોદકામ દરમિયાન સાપ અને વીંછી પણ મળી આવ્યા હતા. પુરાતત્વ વિભાગના અહેવાલ પ્રમાણે આ કિલ્લાની 7 પરતો હતી. એટલે કે, તે કિલ્લાને 7 વખત ધ્વસ્ત કરવામાં આવ્યો હતો અને ફરી બનાવવામાં આવ્યો હતો.