રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને હાલ હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ બંને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શાળાઓને સેનીટાઈઝ કરીને શાળાના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
કોરોના સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરીને અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવ્યો છે, તો રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં માંડ અભ્યાસ કાર્ય શરૂ થયું છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, શહેરા તાલુકાના લાભી ગામની આબુડી ફળિયા વર્ગ પ્રાથમિકમાં ફરજ બજાવતા શિક્ષિકા નિરૂબેન ગોવિંદભાઈ પટેલ જેઓ લુણાવાડા તાલુકાના ભાયાસર ગામના વતની છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એ જ ગામના વતની અને ચારી ગામની તલાવડી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશભાઈ મૂળજીભાઈ પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ હાલ હોમક્વોરેન્ટાઈન કરાયા હોવાનું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું,બીજી તરફ આ બંને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શાળાઓને સેનીટાઈઝ કરીને શાળાના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. શહેરા તાલુકામાં માંડ શરૂ થયેલી પ્રાથમિક શાળાઓમાં કોરોનાએ પગ પેસારો કરતા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે, ત્યારે હવે પ્રાથમિક શાળાઓમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે શિક્ષણ વિભાગ સહિતનું તંત્ર કયા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું.