બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળાને અડીને આવેલા ભચરવાળા ગામ તરફ જતા હાઇવે માર્ગને અડીને આવેલો એક મસમોટો ભુવો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થાય તેમ જણાઈ છે, છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તો શું કોઈનો ભોગ લેવાયા બાદ તેની મરામત થશે તેવા સવાલો હાલ ઉઠ્યા છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા અને મતદાન પહેલા દરેક પાર્ટીના ઉમેદવારોએ મતદારોને જેતે વિસ્તારોમાં વિકાસના કામો કરવા આશ્વાસનો આપ્યા હશે. પરંતુ જીત્યા બાદ આપેલા આ આશ્વાસનો પૈકી મોટાભાગના ફક્ત લોલીપોપ જ જણાઈ છે. છતાં મતદારો વારંવાર મત આપવામાં યોગ્ય ઉમેદવારની પસંદગી કરતા નથી અંતે જેતે વિસ્તારો વિકાસ અટકી પડે છે. રાજપીપળા થી અંકલેશ્વર જતા હાઇવે માર્ગ ઉપર આવેલા ભચરવાળા પાટિયા નજીક એક મોટો ભુવો ત્રણેક મહિનાથી સ્પષ્ટ જણાઈ છે. જેમાં કેટલાય વાહનચાલકો અકસ્માતે પટકાય છે. છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાળજી લેવાઈ નથી માટે આ ભુવાનું કામ કોઈનો ભોગ લેવાયા બાદ કરવામાં આવશે.? તેવા સવાલો ગ્રામજનોમાં ઉઠ્યા છે. ત્યારે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ કે અન્ય આગેવાનો આ બાબતે તંત્રની આંખ ખોલી ઘટતું કરે તેવી માંગ ઉઠી છે.