રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત, લાખણી
થરાદમાં ટ્રેક્ટર માટેની લોન લેવા આવેલા વાવ તાલુકાના જોરડીયાળી ગામના ખેડૂતની રૂ. 2.38 લાખ ભરેલી ચોરાયેલી કાપડની થેલી લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી એક દુકાનના છતના પતરા ઉપર થી ખાલી મળતાં થરાદ પોલીસે લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સી.સી.ટી.વી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. વાવ તાલુકાના જોરડીયાળી (તખતપુરા) ગામના હીરાભાઈ ઉદભાઈ ચૌહાણ નામના ખેડૂતની શુક્રવારના બપોરના સમયે થરાદની કોટક બેંકની શાખામાંથી ટ્રેક્ટરની લોન રૂ. 2.38 લાખ લીધી હતી. જે રકમ પોતાની પાસે રહેલી કાપડની થેલીમાં મૂકીને થેલીમાં અન્ય ડોક્યુમેન્ટ અને ઘરનો સરસામાન મૂકી થેલી ગાડીમાં મૂકી હતી. જે થેલી ગણતરીની મિનિટોમાં ચોરાઈ જતાં તેમને થરાદ પોલીસ મથકે જાણ કરી હતી. જે થેલી સાંજના સમયે લાખણીના એક વેપારીને લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મોલની બાજુની દુકાન ઉપરથી અંદર રૂપિયા વગરની ફક્ત ડોક્યુમેન્ટ સાથે મળી હતી. જે ડોક્યુમેન્ટના આધારે વેપારીએ બેંક અને ત્યારબાદ ખેડૂતનો સંપર્ક કરતાં થરાદ પોલીસ તાબડતોડ લાખણી આવી બસ સ્ટેન્ડ વિસ્તાર સી.સી.ટી.વી તપાસતા બે ગઠિયા કાપડની થેલી દુકાન ઉપર મુકતા સી.સી.ટી.વી ફૂટેજમાં દેખાયા હતા. જ્યારે દુકાન ઉપરથી મળેલી કાપડની થેલીમાંથી રૂપિયા 2.38 લાખ ગાયબ હતા. જે સી.સી.ટી.વી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.