બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નાંદોદ તાલુકાના માંગરોળના ગ્રામજનો મોબાઇલ નેટવર્કના ધાંધિયાને કારણે હેરાન થઇ ગયા છે ત્યારે સરકારની ઓનલાઈનની વાતોમાં નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારના લોકો સર્વરની રામાયણ થી પરેશાન હોય સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદીના કિનારે આવેલ માંગરોળ ગામ પ્રગતિશીલ ગામ છે આ ગામમાં પ્રાથમિક શાળા થી લઇ કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે, ઉપરાંત અહીં નર્મદા નદી ઉત્તરવાહિની હોવાથી આ સ્થળનું ધાર્મિક મહત્વ પણ છે ત્યારે રાજપીપળા થી માત્ર પંદર કિલોમીટર દૂર એવા આ ગામમાં મોબાઇલ કનેક્ટિવિટીના ધાંધિયા છે. ઈન્ટરનેટ સુવિધામાં ધીમી હોવાથી વિદ્યાર્થીઓ અને બેંકના ગ્રાહકો હેરાન છે ઉપરાંત નદી કિનારે તપોવન આશ્રમ,આત્મ જ્યોતિ આશ્રમ રામાનંદી આશ્રમ જેવા મહત્વના ધાર્મિક સ્થળ આવેલા છે, જ્યાં આવતા શ્રદ્ધાળુઓને પણ ઈન્ટરનેટની તકલીફ પરેશાન કરે છે, ત્યારે એકબાજુ સરકાર અંતરિયાળ ગામોમાં મોબાઇલ કનેકટીવીટી આપવા ની વાતો કરે છે. ત્યારે માંગરોળ જેવા ઘણા ગામમાં નેટવર્કમાં સુધારો થાય તેવી ગ્રામજનોની માંગ છે.