ગુજરાત સ્થાપના દિવસ, 1લી મેના રોજ કોરોના વોરિયર્સ વિષય પર ખુલ્લી મુકાયેલ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધામાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલીને પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ લોક ડાઉન દરમિયાન મળેલ ફાજલ સમયનો સદુપયોગ કરી બતાવ્યો છે. કોરોના સંક્રમણની મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉવજણીનો કાર્યક્રમ મોકૂફ રાખીને કોરોના વોરિયર્સ વિષય પર ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઘરે જ આ વિષય પર જે સ્પર્ધામાં ભાગ લીધો હોય તેની કૃતિ બનાવીને મેઈલ કે વોટ્સએપના માધ્યમથી પોતાના શિક્ષક, સી.આર.સી.ને મોકલાવી હતી. જ્યાંથી ડીપીઈઓ કચેરી અને ડીઈઓ કચેરી મોકલવામાં આવી હતી. આ સ્પર્ધામાં બે વિભાગો હતા ધોરણ-3 થી ધોરણ-8ના બાળકો તેમજ ધોરણ-9 થી ધોરણ-12ના બાળકોનો વિભાગ. પંચમહાલ જિલ્લાએ આ બંને કેટેગરીમાં રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલાવી છે. રાજ્યભરમાંથી આ ત્રણેય સ્પર્ધાઓમાં કુલ થઈને 1,65,816 કૃતિઓ આવી છે, જેના 10 ટકાથી વધુ કૃતિઓ એટલે કે 16,817 કૃતિઓ પંચમહાલ જિલ્લાના બાળકો દ્વારા મોકલાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લા ના વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ સુંદર અને રચનાત્મક ચિત્રો બનાવ્યા હતા.
પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે કોરોના વોરિયર્સ પર કૃતિઓના નિર્માણની રાજ્યવ્યાપી સ્પર્ધાની જાહેરાત થતા જિલ્લાના શિક્ષકો દ્વારા બાળકોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ માટેનો પ્રમુખ હેતુ એ હતો કે બાળકો કોરોના સામેની લડાઈમાં અગ્ર મોરચે રહેલા કોરોના વોરિયર્સ અને તેમની કામગીરી વિશે જાણે અને તે બાબતમાં પોતાની લાગણીઓ સ્પર્ધા ના માધ્યમથી અભિવ્યક્તિ કરે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ રજૂ થવા માટે તેમણે જિલ્લાના શિક્ષકોને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.