નર્મદા જિલ્લામાં કોવીડ વેક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા જિલ્લા ખાતેથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના ગંભીર રોગોવાળા નાગરિકોને કોરોના વિરોધી રસીકરણની રસી કામગીરીનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લા ખાતે કોવિડ-૧૯ ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજદિન સુધી નોંધાયેલ હેલ્થ કેર વર્કર પૈકી (૮૯%) થી વધુ અને નોંધાયેલ ફ્રન્ટલાઇન વર્કર પૈકી (૬૪%)થી વધુને કોવિડ-૧૯ ની રસીનો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપી દેવામાં આવેલ છે તેમજ બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાકીય વિગતો મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.૧૦૦/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત રૂ.૧૫૦/- એમ કુલ મળી રૂ.૨૫૦/- લાભાર્થી પાસેથી લેવામાં આવશે.

ત્રીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે નર્મદા જિલ્લામાં અંદાજીત ૩૭ જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે..રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થીને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. તમામ રસી લીધેલ લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર રસીકરણના સ્થળેથી આપવામાં આવશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત નર્મદા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *