રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકામાં પ્રથમ નોંધયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીને પંચમહાલ LCB પોલીસે પકડી પાડયો હતો. પોલીસે આરોપીને કોવીડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે આરોપીએ પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જમીન પચાવી પાડનાર શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેનો કાયદો અમલી કરવામાં આવ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં થોડા દિવસ પહેલા જમીન પચાવી પાડવાનો પ્રથમ ગુનો નોંધાયો હતો. શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામના જશપાલસિંહ સોલંકીની ગામમાં જ આવેલ સર્વે નંબર ૮૧૬ પર આવેલી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલ જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી કે જેઓ વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓના પિતા બળવંતસિંહ ગણપતસિંહ સોલંકીને વર્ષ ૨૦૦૮માં ગીરો પેટે રૂ.૫૦ હજારમાં આપી હતી, જેમાં જશપાલસિંહે ગીરો પેટે લીધેલ રકમ વર્ષ ૨૦૧૯ માં પંચો સમક્ષ ગીરો રાખનારને આપી દીધી હતી, અને અસલ ગીરોખત પરત મેળવી લીધા બાદ પણ ગીરો રાખનાર શખ્સો દ્વારા જમીન પર અનધિકૃત રીતે કબ્જો જમાવી બેઠેલ કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકી તેમજ તેના પિતા બળવંતસિંહ સોલંકી વિરુદ્ધ શહેરા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો,જે ગુનામાં સંડોવાયેલ કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીની ધરપકડ કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી પંચમહાલ પોલીસ વોચ હતી,ત્યારે શહેરા તાલુકામાં પ્રથમ નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનાના આરોપી કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીને પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસે તેઓના ઘરેથી પકડી પાડીને શહેરા પોલીસ મથકે લાવી કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો,અને વધુ કાર્યવાહી માટે આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઈ છે.
જમીન મેં ગીરવે પેટે રાખી હતી તેમાં કોઈ ગુનો નથી પરંતુ મે સરકારના વિરુદ્ધ લડત લડતો હોવાથી મારા પર આવી ફરિયાદ થઈ છે. આમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ થાય તેવી મારી માંગ સાથે આશા રાખી રહ્યું છે – જે.બી.સોલંકી આરોપી…