રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરમાં રાધે કોમ્પ્લેક્ષમાં માઈક્રો ફાઈનાન્સ- બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલી ‘બંધન બેન્ક ‘ આવેલી છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારે કોરોના સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી છે અને તે ગાઇડલાઇન મુજબ દરેક બેન્કોએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું, કર્મચારી અને ગ્રાહકોએ પણ ફરજીયાત માસ્ક પહેરવાનું, બેંકના પરિસરમાં પ્રવેશતાં પહેલાં સેનેટાઈઝ કરવાનું અને બેંકમાં સેનેટાઈઝર રાખવાનું જણાવેલ છે. પરંતુ રાધે કોમ્પલેક્ષમાં આવેલી આ ‘બંધન બેન્ક ‘ માં કોરોના સંબંધિત ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે ડભોઇ નગરના કેટલાક જાગૃત પત્રકારોએ આ બેંકનો વિડીયો અને ફોટોગ્રાફી કરેલ ત્યારે પોતાને મેનેજર ગણાવતી એક વ્યક્તિ અને બીજા બેંકના જવાબદાર કર્મચારીઓ પણ માસ્કવગર જોવા મળ્યા હતા અને પત્રકારોની હાજરી વખતે પણ કોઈપણ પ્રકારે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થતું પણ જોવા મળેલ નહીં. તેમજ બેંકમાં સેનેટાઈઝર ની સગવડ પણ જોવા મળી ન હતી . આમ સરકારી ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સદર બેંકમાં ૧૦૦ થી ૨૦૦ ગ્રાહકોનું મોટું ટોળું જોવા મળ્યું હતું .જો આમાં એકાદ વ્યક્તિ પણ કોરોના સંક્રમિત હોય તો અસંખ્ય નાગરિકોના માથે મોટું જોખમ ઊભુ થવાનો ભય જોવા મળ્યો હતો. આમ આવનારા સમયમાં ડભોઇ નગરમાં આવેલી આ ‘બંધન બેન્ક’ કોરોના વિસ્ફોટનું મોટું કેન્દ્ર બની રહે તો નવાઈ નહીં. આમ એક જવાબદાર પ્રાઇવેટ બેંકનું લાયસન્સ ધરાવતી સંસ્થા સરકારના નિયમોનો સરેઆમ ભંગ કરી રહી છે. ત્યારે જવાબદાર સત્તાધીશોએ તેની સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવી જોઈએ અને જરૂર જણાયેથી બેંકને શીલ મારવાની પણ તજવીજ હાથ ધરવી જોઈએ. તેવી ચર્ચાઓ નગરમાં ચાલી રહીં છે.