રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
માળીયા હળવદ હાઇવે ઉપર આવેલા સુસવાવ ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઇક લઇને પસાર થઇ રહેલા આધેડના બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું, જેથી આધેડને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મૃતકના ભત્રીજાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનચાલકને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના સુસવાવ ગામે ઉમિયાનગરની અંદર રહેતા નીતિનભાઈ નાનજીભાઈ મેરજાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના બનાવની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમણે લખ્યું છે કે તેઓના કાકા છગનભાઇ રામજીભાઇ મેરજા (ઉંમર વર્ષ ૫૦) હીરો હોન્ડા સ્પ્લેન્ડર લઈને સુસવાવ ગામ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેઓના વાહને અડફેટે લીધું હતું. જેથી કરીને છગનભાઇને માથા, કપાળ અને હાથે-પગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેઓની સાથે બાઇકમાં બેઠેલા હરગોવિંદભાઈ પ્રેમજીભાઈ દલવાડીને જમણા પગમાં ફ્રેક્ચર અને ડાબી આંખ નીચે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓને હાલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવની અંદર અકસ્માત સર્જીને વાહનચાલકો નાસી ગયેલ હોય પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનચાલકને માટે થઈને કવાયત શરૂ કરી છે.