રાજપીપળા પાલિકાની ચૂંટણીમાં પતિ-પત્ની, કાકા-ભત્રીજી-ભત્રીજો અને ભાઈ-બહેન વચ્ચે ચૂંટણી જંગ જામશે.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

રાજપીપળા નગરપાલિકાનો ચૂંટણી પ્રચાર હાલ ચરમ સીમાએ છે. રાજકીય પક્ષોની સરખામણીએ અપક્ષોનો આ વખતે રાફડો ફાટ્યો છે. આમ જોવા જઈએ તો, રાજકીય પક્ષો કરતા અપક્ષ ઉમેદવારો વધુ સક્ષમ જણાઈ રહ્યા છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં અનોખા સંજોગ પેદા થયા છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં પતિ-પત્નીના 2 જોડા, કાકા-ભત્રીજી-ભત્રીજો, ભાઈ-બહેન ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ પાલિકા પૂર્વ પ્રમુખ અપક્ષ તો એમની, પત્ની, ભાઈ અને ભત્રીજાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે
રાજપીપળા પાલિકા વોર્ડ 7માંથી પતિ નીલેશસિંહ આટોદરિયા પત્ની મીનાક્ષીબેન જનહિત રક્ષક પેનલમાંથી જ્યારે વોર્ડ 3માંથી પતિ ભરતભાઈ માધુભાઈ વસાવાએ અપક્ષ અને પત્ની ભારતીબેન વસાવાએ વોર્ડ 7 માંથી કોંગ્રેસના ઉમેદવાર છે. બીજી બાજુ એમની પુત્રી રિયાબેન ભરતભાઈ વસાવા, ભાઈ સુરેશ વસાવા અને ભત્રીજા સુનિલ ભંગાભાઈ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. રાજપીપળા પાલિકા વોર્ડ 5માંથી એક ભાઈ મૂંતઝીરખાન શેખે કોંગ્રેસમાંથી જ્યારે બીજા ભાઈ મોઈન શેખે વોર્ડ 3માંથી અપક્ષ ઉમેદવારી અને બહેન ફરીદાબાનુ શેખે વોર્ડ 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં “આમ” થી લઈને “ખાસ” લોકો ચૂંટણી મેદાનમાં છે. આ વખતે રાજપૂત પરિવારની ત્રીજી પેઢી ચૂંટણી લડી રહી છે. ભૂતકાળમાં ડો.જે.સી.ગોહિલ પછી એમના પુત્ર સ્વ.અલકેશસિંહ ગોહિલ અને હવે એમનો પુત્ર કુલદીપસિંહ ગોહિલ વોર્ડ 6માંથી ભાજપના ઉમેદવાર છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં અપક્ષોનો રાફડો ફાટ્યો છે, વોર્ડ 5ના અપક્ષ ઉમેદવાર વિજય રામી વન મેન આર્મીની જેમ એકલા જ પ્રચાર કરી રહ્યા છે. તેઓએ જનતાને અનેક વચનો પણ આપ્યા છે એમાં એક વચન એવું પણ આપ્યું છે કે, જો હું ચૂંટાઈને આવીશ તો ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિ દેવોને બોર્ડ મિટિંગમાં હાજર રાખવામાં નહીં આવે જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે. રાજપીપળા પાલિકા પ્રમુખ કોણ? એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે. ગત વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, ત્યારે આ વખતે પણ ભાજપને સ્પષ્ટ બહુમતીની આશા છે. જો આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તો રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલને પ્રમુખ બનાવશે એવા ચોક્કસ એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે આ વખતની ચૂંટણી ભાજપ એમના જ વડપણ હેઠળ લડી રહી છે.

બીજી બાજુ જો જનહીત રક્ષક પેનલને સ્પષ્ટ બહુમતી મળે તો નિલેશસિંહ આટોદરિયા પ્રમુખ તરીકેના દાવેદાર છે, તો બીજી બાજુ કોંગ્રેસે આ વખતે 12 ઉમેદવારો ઉતર્યા છે. બીજા વોર્ડમાં અપક્ષો સાથે એમનું ખાનગી ગઠબંધન છે તો કોંગ્રેસ માંથી ભરત વસાવા પ્રમુખ પદના દાવેદાર છે, ત્યારે રાજપીપળાની પ્રજા સત્તાનું સુકાન કોના હાથમાં આપે છે? એ જોવું રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *