બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ રાજપીપળા શહેરના રાજમાર્ગો પર જંગી રેલી કાઢી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન રાજપીપળા શહેરના રાજમાર્ગો પર ભાજપના આગેવાનો અને શહેરીજનોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. સી.આર.પાટીલની જાહેર સભામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, નાંદોદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, પૂર્વ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
BTP-AIMIM ગઠબંધન અને અસદુદ્દીન ઓવૈશીએ ગુજરાતમાં જાહેરસભા સંબોધી હતી એ મુદ્દે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે એ આંધળા બેહરાનું ગઠબંધન છે, ગુજરાત કોઈ બોરી બામણીનું ખેતર નથી કે ગમે તેવો વ્યક્તિ અહીંયા આવી જાય. હૈદ્રાબાદમાં આગામી સમયમાં ભાજપનો મેયર હશે અને અસદુદ્દીન ઓવૈશી રઘવાયા થઈ ઘર ભેગો થઈ જશે. કોંગ્રેસ BTP એ વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું છે જેથી લોકોના મનમાં છેતરાયાનો ભાવ છે. હવે એ દુષણ હટાવવાનો સમય આવી ગયો છે. છોટુભાઈ ઘણું થયું હવે બીજાને પણ ચાન્સ આપો, આવનારી વિધાનસભામાં છોટુભાઈ વસાવાનું અસ્તિત્વ નહિ રહે BTP-AIMIM તકવાદી ગઠબંધન છે. ભાજપનો છેડો પકડશો તો નર્મદા-ભરૂચનું ભલું થશે, આદિવાસી વિસ્તારનો પણ વિકાસ થશે.પેહલા નર્મદા જિલ્લામાં ચકલું પણ ફરકતું ન્હોતું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા રોજના 1 લાખ લોકો આવશે. જો નર્મદા જિલ્લાની તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ બિટીપી આવશે તો સરકારની કરોડોની ગ્રાન્ટ ચાંઉ થઈ જશે.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ એમ કહી હસતી હતી કે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહિ બતાયેંગે, પણ જ્યાં રામનો જન્મ થયો ત્યાં જ ભાજપે રામ મંદિર બનાવ્યું રામ મંદિર ક્યારે પૂર્ણ થશે એની તારીખ પણ અમે જણાવીશું. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35(A) નરેન્દ્ર મોદીએ હટાવી ત્યારે એમ લાગતું હતું કે ત્યાં રમખાણ થશે, લોહી વહેશે, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેવ ભાયડાઓને લીધે એવી કોઈ ઘટના ઘટી નથી. કોંગ્રેસના સમયમાં ગુંડાઓનું ગુજરાત તરીકે ઓળખાતું હતું પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહને લીધે આજે મહાત્મા ગાંધી, વિક્રમ સારાભાઈના ગુજરાત તરીકે ઓળખ મળી છે.
કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે. કોંગ્રેસ ડૂબી જવાની છે, બીટીપી હવે વિધાનસભાની ચૂંટણી પણ જીતશે નહીં. 100 પાપ પુરા થયા હવે હિસાબ થશે ભાજપે સત્તા મેળવી સેવા કરી છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર લોકોની ચિંતા કરે છે. જયારે કોંગ્રેસ લોકોને વફાદાર રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું મોડેલ દિલ્હી લઈ ગયા. કોંગ્રેસના પેન્ડિગ કામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરા કર્યા. રામ મંદિરનો વાયદો પણ પૂર્ણ થયો. દુનિયામાં સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવી જેથી લાખો યુવાનોને રોજગારી મળી. નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો માટે કામ કરે છે. કુદરતી આફત સમયે ખેડૂતોને વળતરની યોજના ઉભી કરી કુદરતી આફતની નુકશાનીની રકમ સીધી ખાતામાં જમા થાય છે. ખેડૂતોએ ધક્કા નહીં ખાવાના કે કોઈ વચેટિયા નહીં. છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર અને ગુજરાત સરકાર પહોંચી ગઈ છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં પેજ સમિતી અસરકારક કામ કરશે કોંગ્રેસનો સફાયો થશે. નગરપાલિકા અને પચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થશે.
રાજપીપળાના ઝીન કંપાઉન્ડમાં સી.આર.પાટીલ નિયત સમય કરતાં લગભગ 2 કલાક મોડા પહોંચ્યા હતા. સ્વાગત બાદ સી.આર.પાટીલે જંગી મેદનીને સંબોધનની શરૂઆત કરી હતી, લગભગ 3:30 વાગ્યાથી પ્રદેશ અધ્યક્ષની રાહ જોઈ બેસી રહેલા લોકોએ સી.આર.પાટીલના ચાલુ સંબોધનમાં જ અધવચ્ચેથી ચાલતી પકડી હતી. લોકોને જતા જોઈ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે એમ કેહવું પડ્યું હતું કે સભા પુરી ન થાય ત્યાં સુધી કોઈએ જવું નહિ.