ગીર સોમનાથ: તાલાલા શહેરમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાં બન્યા મોતના કુવા સમાન..

Gir - Somnath Latest
રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા

તાલાલા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કુંડીના ખુલ્લા તથા ઊંચા ઢાંકણા રાહદારીઓ માટે મોતના કૂવા બની રહ્યા છે. બાંધકામ તથા નગર પાલિકાના સત્તાવાળાઓ ભૂગર્ભ ગટરની કુંડીઓ નિર્દોષ રાહદારીઓનો ભોગ લે તે પહેલા યોગ્ય સમારકામ કરાવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.

આ અંગેની વિગત એવી છે કે તાલાલા શહેરનો ધોરણ ૯માં અભ્યાસ કરતો કડિયા કુંભાર સમાજનો વિદ્યાર્થી કેવલ ભરતભાઈ પરમાર ઉંમર વર્ષ ૧૪ ગઈકાલે સાંજે સ્કૂલેથી પરત આવતો હતો ત્યારે પગ લપસતા ગટરના 20 ફૂટ ઊંડા ખુલ્લા ખાડામાં પડી ગયો હતો બાળક ગટરની કુંડીમાં પડી જતા રાડો પાડવા લાગતા આજુબાજુ માંથી એકત્ર થઈ ગયેલ લોકોએ વિદ્યાર્થીની બહાર કાઢવા કામે લાગી ગયા હતા ભારે જહેમતના અંતે વિદ્યાર્થી હેમખેમ ગટરની કુંડીમાં થી બહાર કાઢવામાં સફળતા મળી હતી મોતના મુખમાંથી કુદરતી રીતે બાળક બચી જતા સૌને હાશકારો થયો હતો.

બાળકને સામાન્ય ઇજા થઈ છે. હોસ્પિટલે સારવાર આપવામાં આવી હતી. તાલાલા શહેરમાં સ્ટેટ હાઇવેના પસાર થતા મુખ્ય માર્ગો ઉપરાંત નગરના વિવિધ શેરી-મહોલ્લામાં ભૂગર્ભ ગટરની કુંડામાં ઢાંકણા ઘણી જગ્યાએ તૂટેલા છે. તેમજ ઘણી જગ્યાએ માર્ગથી ઊંચા છે. જેને કારણે વારંવાર રાહદારીઓએ અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. સમગ્ર તાલાલા શહેરના માર્ગો ઉપરની ગટરની તૂટેલી કુંડીઓ ઉપર ઢાંકણા લગાવવા તેમજ કુંડીઓ ઉપરના ઊંચા ઢાંકણાની યોગ્ય મરામત કરવી જરૂરી બની ગયું છે. તાલાલા શહેરના લોકસેવક બનવા આતુર નગરપાલિકા ચૂંટણી લડતા 67 ઉમેદવારો શહેરની પ્રજાને ભૂગર્ભ ગટરની કુંડીઓ ગંભીર બનતી જતી સમસ્યાનું નિવારણ લાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *