પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેન સળગાવી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં કુલ 59 કારસેવકો માર્યા ગયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો થયા હતા. આ ગોધરા કાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક 19 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો. તાજેતરમાં ગોધરા આવેલો રફીક હુસેન ભટુક સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદ પાસેના તેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં ગોધરા એસ.ઓ.જી અને બી ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરે દરોડા પાડી 51 વર્ષીય આરોપી ભટુકને દબોચી લીધો હતો. તેની પાસેથી મોબાઈલ અને ચૂંટણી કાર્ડ કબજે કરાયું છે.
પોલીસનું કહેવું છે કે, ટ્રેનના ડબ્બાને બાળી નાખવા પેટ્રોલ ભરી આપવામાં, ભીડને ઉશ્કેરવામાં અને આખા કાવતરાને રચવામાં રફીક હુસેનનો મોટો હાથ હતો, તેના પર હત્યા અને ઉશ્કેરણીનો આરોપ છે. પોલીસે માહિતી આપી છે કે રફીક હુસેન તે સમયે મજૂર તરીકે સ્ટેશન પર કામ કરતો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે પત્થરો ફેંકવામાં આવ્યા હતા અને પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું, રફીક હુસેન પણ તેમાં સામીલ હતો. પરંતુ તે ઘટના બાદ રફીક હુસેન અહીંથી ભાગી ગયો હતો અને ફરાર થયા બાદ રફીક દિલ્હી સહિતનાં અલગ-અલગ શહેરોમાં 19 વર્ષ સુધી જુદી જુદી ફેક્ટરીઓમાં ચોકીદારની નોકરી કરતો હતો. ટ્રેન કાંડનો 33 વર્ષનો આ આરોપી 19 વર્ષ બાદ એટલે 51 વર્ષનો થયો ત્યારે પકડાયો છે. હવે આગળની પુછતાજ માટે તેને રેલવે પોલીસને સોંપશે.