બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે તથા 5 તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા, તો બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ માંથી જેની ટીકીટ કપાઈ હતી એવા નારાજ લોકોએ પણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી.
નર્મદા જિલ્લા પંચાયતની વડીયા બેઠક માટે ભારે વિવાદ થતા ઉમેદવાર કોને બનાવવોએ નિર્ણય પ્રદેશ ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ પર છોડ્યો હતો, ફોર્મ ભરવાના અંતિમ સમય સુધી આ બેઠક માટે સસ્પેન્સ રહ્યું હતું જો કે અંતે કિરણ વસાવાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા.વડીયા બેઠક પર આ વખતે બે ખમતીધર નેતાઓ ભાજપના કિરણ વસાવા અને કોંગ્રેસના જયંતિભાઈ વસાવા વચ્ચે ટક્કર જામશે.
નાંદોદ તાલુકા પંચાયતની વાવડી બેઠક માટે પણ ક્ષત્રિય સમાજના રાજેન્દ્રસિંહ ગોહિલ અને પાટીદાર સમાજના જીતેન્દ્ર ભાઈ પટેલે ભાજપ માંથી દાવેદારી કરી હતી.અંતિમ સમય સુધી ઉમેદવાર કોને બનાવવો એ બાબતે સંગઠન દ્વિધામાં હતું.જો કે પ્રદેશ માંથી રાજેન્દ્રસિંહ ગોહિલના નામનો મેન્ડેટ આવતા પાટીદાર સમાજના આગેવાનોએ એવી જીદ પકડી હતી કે જો પાટીદારને ટીકીટ નહિ મળે તો અમે ભાજપ માંથી રાજીનામુ ધરી દઈશું. પાટીદારોની પ્રેસર ટેક્નિકને લીધે વિવાદ ચરમ સીમાએ પહોંચતા પાર્ટીના હિતમાં રાજેન્દ્રસિંહ ગોહિલે સામે ચાલીને પોતાની દાવેદારી પરત લીધી હતી અને જીતેન્દ્ર પટેલને ભાજપને મેન્ડેટ આપ્યો હતો.નાંદોદ તાલુકા પંચાયતમાં નાવરા અને વાવડી એમ 2 બેઠકો સામાન્ય કેટેગરીની હતી.ત્યારે એક બેઠક પર પાટીદાર અને બીજી બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર ઉતારવાની ભાજપની રણનીતિ હતી.તે છતાં નાંદોદ તાલુકા પંચાયતમાં ભાજપે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થતા રોષ ફેલાયો છે.
આ વખતની ચુંટણીમાં અનોખા સંજોગો પેદા થયા છે.નર્મદા જિલ્લા પંચાયતની વડીયા બેઠક પર કોંગ્રેસ માંથી કાકા જયંતિભાઈ વસાવા સામે એમની ભત્રીજા વહુ કલ્પનાબેન મહેશભાઈ વસાવાએ BTP માંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતની આમલેથા બેઠક પર નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાના પુત્રી કોંગ્રેસના મનીષાબેન વસાવાએ જ્યારે એમાં આવતી ઢોલર તાલુકા પંચાયત બેઠક પર એમના જ નાના ભાઈ જતીન વસાવા, ગામકુવા બેઠક પર જમાઈ અલ્પેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વડીયા જિલ્લા પંચાયત પર કાકા કિરણ વસાવાએ ભાજપમાંથી અને સગી ભત્રીજી હિનલ વસાવાએ કોંગ્રેસમાંથી ભચરવાડા તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લીધે ગોરા, વાગડીયા, કેવડિયા, લીમડી, કોઠી ગામના લોકો ઘણો વિરોધ કરી રહ્યા છે.ત્યારે એ વિરોધ ખાળવા ભાજપે એ 6 ગામના આગેવાન દિનેશભાઇ સોમાભાઈ તડવીને કેવડિયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે. નાંદોદ તાલુકા ભાજપ સંગઠન મંત્રી અતુલ વસાવાએ બળવો કરી ગામકુવા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.