ગોધરા ખાતે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ…

Latest Panchmahal shera

ગોધરા જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે કોવિડ-19 ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ કોવિડ-19 પ્રતિરોધક રસીકરણની દિશામાં જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી અને હાલ ચાલી રહેલ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત સંક્રમણનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓ કવર થાય તે માટે જાગરૂકતા વધારવા, થયેલ વેક્સિનેશનની ડેટાએન્ટ્રી સત્વરે પૂર્ણ કરવા, વેરિફાય કરી બાકી રહેલા લાભાર્થીઓને આવરી લેવાની દિશામાં કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુ લોકો સાથે સંપર્કમાં આવવાનું થાય છે તેવા આંગણવાડી કાર્યકરો અને જીઆરડીના જવાનોમાં પણ રસીકરણને વેગ આપવા બાબત તેમણે માર્ગદર્શન અને નિર્દેશ આપ્યા હતા.

16મી જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન શરૂ થયા બાદ નોંધણી કરાયેલ 10,406 હેલ્થ કેર વર્કરો પૈકી 8531 એટલે કે આશરે 82 ટકા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ફ્રન્ટલાઈન વર્કર્સ કે જેમાં પોલીસ, નગરપાલિકાના કર્મચારીઓ, રેવન્યુ કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકોનો સમાવેશ થાય છે તેવા 6765 કર્મીઓ પૈકી 4528 કર્મચારીઓને એટલે કે 67 ટકાને રસી આપી દેવાઈ છે. પંચાયતી રાજના 10,234 નોંધાયેલાની સામે 6,092 એટલે કે 59.53 ટકાને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કુલ 27,405ની નોધણી સામે 19,151ને વેક્સિન આપી દેવાઈ છે એટલે કે કુલ 69.88 ટકા વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો થાય છે ત્યારે બીજા ડોઝની ડ્રાઈવ માટેની તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવાઈ છે. રસીકરણની વિપરીત અસરો જણાઈ નથી ત્યારે સરકાર દ્વારા જાણ કરાય તેમ વેક્સિન લઈ પોતાને અને અન્ય જિલ્લાવાસીઓને સુરક્ષિત કરવા કલેક્ટરએ જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. પ્રથમ તબક્કામાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઈજી, પોલિસ અધિક્ષક સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ વેક્સિનનો ડોઝ લઈ લોકોને વેક્સિન અંગેની ખોટી અફવાઓથી દૂર રહી નિર્ભયપણે વેક્સિનેશન કરાવવા સંદેશ આપ્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, સીડીએચઓ સહિત આરોગ્ય તેમજ સંલગ્ન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મેડિકલ એસોશિયેસનના પ્રતિનિધી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *