રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ દર્ભાવતિ નગરીમાં ભાજપા-ધારાસભ્યના કાર્યાલયની બાજુમાં આવેલ સમૅનપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા વિકાસના કામો અને પાયાની જરૂરિયાત જેવી કે સફાઈ,પીવાનું પાણી, ડ્રેનેજ લાઇનનું કામ વગેરે યોગ્ય રીતે પૂર્ણ ન થતાં સોસાયટીના રહીશો દ્વારા આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી સોસાયટીના રહીશો એ “કોઈ પણ ઉમેદવારોએ વોટ માંગવા આવવું નહીં” તેવા સૂત્રો વાળુ બોર્ડ સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર લગાવી દીધું હતું .હાલમાં એક તરફ નગરપાલિકાની ચૂંટણીના દિવસો નજીક હોઈ ઉમેદવારો પોતાના મત વિસ્તારના રહીશોને રીઝવવાના પ્રયાસો કરે છે અને પોતાની મતબેંક ઊભી કરતા હોય છે .પરંતુ એવા સમયમાં આ સોસાયટીના રહીશોએ ગત્ ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો પોતાની ફરજ ચૂકી ગયા છે તેનું ભાન કરાવવા માટે આવા બેનરો લગાવી દીધા છે. આવા વિજેતા બનેલા ઉમેદવારો ભૂતકાળમાં આપેલા વચનો ભૂલી ગયા છે અને હાલમાં ચૂંટણી જાહેર થતાં નવા વચનો આપવા માટે તૈયાર થયેલા છે અને મતદારોને પોતાને મત આપવા માટે લલચાવી રહ્યા છે. ત્યારે આવા ઉમેદવારોને પોતાના આપેલા વચનો યાદ આવે તે માટે નાગરિકો દ્વારા આવા બેનરો લગાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ” મૂંગી બેરી” થઈ ગયેલી નગરપાલિકાના વહીવટદારો ને પણ પોતાની ફરજનું ભાન થાય તેવા પ્રયત્નો નાગરિકોએ કરવા જોઈએ. પ્રજાને પોતાને જરૂરી પ્રાથમિક સગવડો પૂર્ણ ન થાય ત્યારે આવો આક્રોશ જોવા મળતો હોય છે. આ બનાવથી બીજી સોસાયટીના જાગૃત રહીશો પણ આવા બોર્ડ લગાવવા માટે તત્પર થઈ ગયા છે. ડભોઇ નગરની કેટલીક સોસાયટીઓમાં તો ચોમાસા દરમિયાન ડ્રેનેજનું પાણી તેઓના ઘરમાં ઘૂસી જતું પણ જોવા મળે છે. તેમજ પીવાનું પાણી પૂરતા ફોસૅમાં પ્રમાણસર મળતું નથી, ઠેર ઠેર ગંદકીનો માહોલ પણ જોવા મળે છે ,ઉબડ ખાબડ રસ્તાઓ જોવા મળે છે ,બારેમાસ ગટરના પાણી ઉભરાતા જોવા મળે છે ત્યારે હાલમાં જાહેર થયેલી ચૂંટણી લડવા માટે તૈયાર થયેલા નવા મૂરતીઁયાઓને પ્રજાને જવાબ આપવો ભારે પડી રહ્યો છે તેવું હાલમાં જણાઈ રહ્યું છે.આમ ગત ટર્મમાં ચૂંટણી જીતેલા ઉમેદવારોએ પોતાનો પાંચ વર્ષનો સમયગાળો રાજકીય પક્ષોની પાટલીઓ બદલવામાં અને આયારામ- ગયારામ કરી પોતાની સત્તા ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો અને નાગરિકોને મૂંઝવતા પ્રશ્નો સામે પૂરતું ધ્યાન અપાયું ન હતું. જેથી જાગૃત નાગરિકોમાં આવા સત્તાધીશો સામે ભયંકર રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જેથી આવનારા ચૂંટણી પરિણામોમાં નાગરિકોનો રોષ જોવા મળશે અને આવનારા પરિણામો વિસ્મયકારક બની રહેશે તેવું હાલમાં લાગી રહ્યું છે અને ચૂંટણીનો માહોલ ગરમાવો પકડી રહ્યો છે.