રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ગુજરાતના અગ્રીમ હરોળના લેખક, કવિ અને હાસ્યકલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા હળવદની સૌથી જૂની ગણાતી પે સેન્ટર શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરવાનો સંકલ્પ પરિપૂર્ણ થતા સંત-મહાનુભાવોની ઉપસ્થિતમાં શાળાનું ઉદઘાટન કરાયું હતું. તેમજ ડો.જગદીશ ત્રિવેદી લિખિત બે પુસ્તકોનું આજે હળવદના આંગણે વિમોચન પણ કરાયું હતું.
સરસ્વતીના સાધકો પાસે લક્ષ્મી ગૌણ ગણાતી હોવાનું ઉમદા પ્રેરક ઉદાહરણ ઝાલાવાડના વતની હાસ્ય કવિ ડો.જગદીશ ત્રિવેદીએ પૂરું પાડ્યું છે, આજીવન પોતાની આવક શિક્ષણ અને આરોગ્ય સેવા પાછળ ખર્ચ કરવાની જાહેરાત કર્યાના ત્રણ વર્ષમાં જ દોઢેક કરોડથી વધુ ધનરાશી આવા સેવા પ્રકલ્પ પાછળ અર્પણ કરનાર ડો.જગદીશભાઈ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા આજે રૂ.૨૩ લાખના ખર્ચે પાયેથી હળવદની જૂનામાં જૂની પે સેન્ટર શાળા નં.૧ ની કાયાપલટ કરવાની કામગીરી પૂર્ણ થતાં આજે પ.પૂ.માધવપ્રિયદાસજી સ્વામી, હાસ્ય સમ્રાટ પદ્મ શાહબુદીન રાઠોડ અને રજનીકુમાર પંડયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંગલ ઉદઘાટન કરાયું હતું.
આ પ્રસંગે હાસ્યકવિ ડો.જગદીશ ત્રિવેદી લિખિત બાપુજીનું ટેલિફોનિક બેસણું અને અમારી અડધી ગ્રંથતુલા પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું અને જીવન પર્યન્ત તેમના સેવા પ્રકલ્પો અવિરત ચાલ્યા કરે તેવી મંગલકામનાઓ પણ કરવામાં આવી હતી.