રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
પંચમહાલના શહેરા તાલુકાના સરાડીયા ગામે તુફાન ગાડીએ રોડની સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું હતું, જોકે અડફેટે લેનાર તુફાન ગાડીમાંથી રૂ.૭૦ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામના સ્વરૂપસિંહ કાળુભાઈ બારીઆ અને અભેસિંહ દીપસિંહ પગી આ બંને વૃધ્ધ રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે નાડા તરફથી પુરઝડપે અને ગફલત ભરી રીતે આવતી એક તુફાન ગાડી નંબર જીજે.૦૬.કેએચ.૯૫૧૯ ના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ બંને વૃધ્ધને અડફેટે લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઘટનાની જાણ આસપાસના સ્થાનિકો દ્વારા શહેરા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી,અને બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,પરંતુ કમનસીબે બંને વૃધ્ધોનું મોત થતાં બંને વૃધ્ધના મૃતદેહને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા.જોકે બંને વૃધ્ધોને અડફેટે લેનાર તુફાન ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તુફાન ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૨૧ નંગ પેટીઓમાં ભરેલ ૬૨૪ બિયરના ટિમ તેમજ ક્વાટરીયા મળી આવતા પોલીસે રૂ.૭૦ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ તુફાન ગાડીની કિંમત રૂ.૩.૫૦ લાખ મળી કુલ રૂપિયા ૪.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તુફાન ગાડીમાં બેઠેલ ગોધરા તાલુકાના ધોળી ગામના મહેન્દ્ર અર્જુનભાઈ બારીઆને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામના રહેવાસી દિનેશ નાનસીંગ ખાંટ અને તેના સાગરિતોએ ઉંડારા આંબલીયાત પુલ પાસે આપી ગયા હતા અને વિદેશી દારૂ ભરીને લઈને સરાડીયા તરફથી પસાર થતો હતો ત્યારે કેનાલ ફળિયા પાસે એક એક્ટીવા નંબર જીજે.૧૭.બીપી.૧૧૨૨ સાથે અથડાઈ ગયેલાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દારૂનો જથ્થો ભરીને લાવનાર મહેન્દ્ર બારીઆ અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર દિનેશ ખાંટ તેમજ તેના સાગરિતો સાથે શહેરા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ આ તુફાન ગાડીએ બે વૃધ્ધને અડફેટે લેતા તેઓનું મોત નિપજવ્યું હોવાથી આ બાબતે પણ તુફાન ગાડીના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.