ગોધરા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું.

Godhra Latest Panchmahal

પંચમહાલ જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યયના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદેર મત આપવાના પોતાના આ અધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જોઈએ. પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મતદારો પોતાના મતદાનના અધિકાર વિશે વધુ જાગૃત બને અને વધુમાં વધુ મતદારો મતદાન કરવા માટે આગળ આવે તે માટે મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે 4 બાઈક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ ગાયત્રીનગર ખાતેથી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ એ પોલિસ હેડક્વાર્ટર્સ ખાતેથી તેમજ ગોધરા મામલતદાર એ ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ, પોલન બજાર ખાતેથી રેલીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીઓમાં પોલિસ લાઈન, દલુની વાડી, ટુવા, ગોવિંદી, ગદુકપુર, મહુલીયા, નદીસર, ગોઠડા, કલ્યાણા, એસ.આર.પી., રતનપુર, મોરડુંગરા, અંબાલી છાત્રાલય, વેલવડ, ધાણીત્રા, કાંકણપુર, પરવડી, એરંડી, દક્ષિણ બોડીદ્રા, ભામૈયા, ગોલ્લાવ, છાવડ, ઓરવાડા, પોલન બજાર, વણાંકપુર, જીતપુરા, મહેલોલ, રામપુર જોડકા, વાવડી ખુર્દ બગીડોલ સહિતના ક્લસ્ટરના 600થી વધુ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના પાલન સાથે જોડાયા હતા. રેલી અગાઉ તમામ ભાગ લેનારાઓએ મતદાર જાગૃતિ અંગેના શપથ લઈ તે દિશામાં સતત કાર્ય કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં એસ.આર.પી. ડિવાયએસપી ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલ તેમજ શિક્ષકો સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *