દાહોદમાં વસંતી વાયરાઓ વચ્ચે મહેમાન બન્યા છે હજારો નીલકંઠી પોપટ

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ

દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસેને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે છે. આ કુદરતના કાવ્યમાં પોતાના ગીત ઉમેરવા દાહોદમાં કેટલાંક મહેમાનોનું પણ શિયાળાનો ચાર્તુમાસ ગાળવા આગમન થાય છે. સંધ્યા સમયે કામની વ્યસતામાંથી પરવારી ઘરે જતા લોકોને પોતાના મીઠા કલબલાટથી ધ્યાન આકર્ષતા સૂડાઓ વૃક્ષોને ડાળે ડાળે જાણે નવા પાન ખીલી ઉઠયાં હોય એમ હજારોની સંખ્યામાં જોવા મળે છે.

પ્રકૃતિ મિત્ર મંડળના મેનેજીગ ટ્રસ્ટી અજય દેસાઇ એ જણાવ્યું હતું કે, ઇન્ડીયન રોઝરીંગ પારાકીટના નામે ઓળખાતાં પોપટો જેમને દેશી ભાષામાં સૂડા પણ કહેવામાં આવે છે તેમનું આગમન જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન દાહોદમાં જોવા મળે છે. મોટે ભાગે દક્ષિણ ભારતથી આ રમણીય પક્ષીઓ દાહોદમાં ચાર મહિના પોતાનો ઉતારો કરે છે. દાહોદના લીલાછમ ખેતરો અને ફૂડ પ્રોસેસીંગ યુનિટો મોટી સંખ્યામાં હોય અને અહીંનું કુદરતી વાતાવરણ આ ઋતુ દરમિયાન તેમને અનુકુળ હોય તેઓ જાન્યુઆરીથી એપ્રિલ માસ દરમિયાન સંધ્યા અને સવારે પોં ફાટવાના સમય સુધી અહીંના વૃક્ષો પર પોતાની ડેરો જમાવતા જોવા મળે છે. સલૂણી સંધ્યા સમયે જયારે સૂર્ય હજુ આથમયો જ હોય છે ત્યારે આકાશ નીલકંઠી પક્ષીઓના આગમનથી ઢંકાવા લાગે છે. આકાશમાં તેમની સમૂહ ઉડાનો એક માણવા લાયક નજારો હોય છે. સાંજના આ સમયથી લઇને વહેલી સવારે જયારે આકાશમાં સૂર્ય હજૂ ઉગવાને જરા જેટલી વાર હોય ત્યારથી જ સૂડાઓ પ્રસ્થાન કરવા લાગે છે. સવારનો એ નજારો પણ દરેક સામાન્ય પ્રકૃતિપ્રેમીને આકર્ષે એવો હોય છે. દાહોદના રાત્રી બજારમાં આવેલા વટવૃક્ષ અને ગરમાળાના ઝાડમાં આ સૂડાઓ ‘નાઇટહોલ્ટ’ કરે છે. જેને રૂસ્ટિંગ એટલે કે સામૂહિક નિવાસ કહેવામાં આવે છે. આ ઉપરાંત સર્કીટ હાઉસનાં કંમ્પાઉન્ડમાં આવેલા વિવિધ વૃક્ષોમાં સૂડલા રાતવાસો કરવા આવે છે. સર્કીટ હાઉસના કંમ્પાઉન્ડમાં ચામાચીડિયાની સંખ્યાઓ પણ નોંધપાત્ર છે. દાહોદમાં આ પારાકીટ ઉપરાંત હંસ સહિતના વિદેશી પક્ષીઓ પણ છાબ તળાવ સહિતના જળાશયોમાં નિવાસ કરે છે. જેને પક્ષીપ્રેમીઓ હરખભેર વધાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *