રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
સાંસદ, ધારાસભ્યની લોલીપોપ વચ્ચે સ્થાનિક નગરપાલિકા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ...
સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર અને ખુંટીયાઓની સમસ્યા માથાનાં દુઃખાવા સમાન બની છે ત્યારે સમયાંતરે એનું નિરાકરણ લાવવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નક્કર કાર્યવાહી કરી અશત: રાહત મળે એવાં પગલાં ભરવામાં આવતાં હોય છે પરંતુ કેશોદ શહેરમાં નગરપાલિકાને લાગેવળગે છે ત્યાં સુધી નિર્દોષ વાહનચાલક અને રાહદારીઓને હડફેટે લઈને ઈજાગ્રસ્ત કરી મોત નિપજયાં નાં બનાવો બન્યા છતાં પેટનું પાણી હાલતું નથી. કેશોદ શહેરમાં એકાદ વર્ષ પહેલાં રખડતાં ઢોર અને ખુંટીયાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા ગૌશાળા સંચાલકો અને વેપારી અગ્રણીઓ સાથે મીટીંગ યોજી હતી અને કેશોદ ગૌરક્ષા દળ અને કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જમીન ફાળવણી કરવામાં આવે તો તમામ રખડતાં ઢોર અને ખુંટીયાઓ સાચવવાની તૈયારી બતાવી હતી. પરંતુ સ્થાનિક નગરપાલિકા સત્તાધિશો દ્વારા રસ દાખવ્યો નથી. કેશોદ શહેરમાં ચાર ગૌશાળા એક પાંજરાપોળ કાર્યરત છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં 40 ગૌશાળા ચાલી રહી છે અને કોવીડ-૧૯ માં સરકારી સહાય નિયમિત મેળવે છે ત્યારે તંત્ર દ્વારા ખરેખર ઉકેલ લાવવો હોય તો દરેક ગૌશાળામાં રખડતાં ઢોર અને ખુંટીયાઓ મોકલી શકવામાં સક્ષમ છે. કેશોદ શહેરમાં જ માત્ર પ્લાસ્ટિક ઝબલા બંધ કરાવવા ચાલતાં અભિયાનમાં વેપારીઓનાં ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે રખડતાં ઢોર અને ખુંટીયાઓ સંસ્થાઓ સાચવી લે તો પ્લાસ્ટિક ખાવાનો પ્રશ્ન અને અકસ્માતો થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે એવું છે. કેશોદ શહેરમાં આવેલી વિવિધ ગૌશાળામાં રાખવામાં આવતી ગાયો કે ખુંટીયાઓની યાદી કે કાનમાં ટેગ લગાડી નોંધ રાખવામાં આવતી નથી ત્યારે શહેરમાં રખડતાં ઢોર અને ખુંટીયાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે એમાં કોનાં દ્વારા ઢોર અને ખુંટીયાઓ છોડી મૂકવામાં આવે છે એની ચોક્કસ માહિતી મળતી નથી. કેશોદ નગરપાલિકા પાસે હિંસક કુતરાઓ રખડતાં ઢોર અને ખુંટીયાઓ પકડવાની કામગીરી કરવા વાહનો અને સાધનો ઉપલબ્ધ હોવાં છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કેશોદ શહેરમાં મુખ્ય માર્ગો પર અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોર અને ખુંટીયાઓ અડીંગો જમાવીને બેઠાં હોય છે ત્યારે એકલદોકલ રાહદારી નીકળતાં પણ ગભરાઈ છે. કેશોદ શહેરમાં નીરણ નાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા જાહેર સ્થળો કે માર્ગો પર ઠેકઠેકાણે નીરણ નાખવામાં આવતી હોય ત્યારે રોજીંદા અકસ્માતની ઘટનાઓ બની રહી છે. કેશોદ શહેર પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે કેશોદ શહેરને રખડતાં ઢોર અને ખુંટીયાઓ મુક્ત બનાવવામાં આવે તો શહેરીજનોને સુખાકારી મળી રહેશે.