જૂનાગઢ: કેશોદમાં ચુંટણી પહેલાં જ મતદારો આક્રમક મુડમાં…

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

સામાન્ય રીતે ચુંટણી આવતાં જ ઉમેદવાર અને રાજકીય નેતાઓ કે આગેવાનો દ્વારા રાત્રી બેઠકોના દોર શરુ કરાય છે,પરંતુ જુનાગઢના કેશોદ શહેરના વોર્ડ નંબર 6 ના 2 હજારથી પણ વધારે લોકોએ મતદાનનો બહિષ્કાર કરવા માટે રાત્રી બેઠકોના દોર શરુ કર્યા છે. કેશોદ નગર પાલીકાની ચુંટણી યોજવાની ચુંટણી પંચે જાહેરાત કરી હતી. તે સાથે જ કેશોદ નગરપાલીકાના વોર્ડ નંબર 6 ના 2000 કરતાં પણ વધારે લોકોએ રાત્રી બેઠકો શરુ કરી છે.રહીશોમાં ભારે રોષ જોવા મળતો હતો.વોર્ડ નંબર 6 માંથી રોડ પસાર થાય છે, જે રોડનો 35 વર્ષથી નાગરીકો ઉપયોગ કરે છે. ચોંકાવનારી બાબત એ છે કે એક વ્યક્તિએ રોડને બ્લોક કરી દીધો છે.જેની પાછળ એવું કારણ આપવામાં આવે છે કે રોડ એક ખાનગી પ્લોટમાંથી પસાર થાય છે.જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. જેના કારણે વૈકલ્પિક રસ્તો આપવાની માંગણી કરવામાં આવી રહી છે. જે માટે લડત લડવા અને ઉગ્ર આંદોલન કરવા માટે રહીશો દ્વારા રોજ રાત્રે રાત્રી બેઠકોનો દોર શરુ કરાયો છે. લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરી લડતને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારતાં સ્થાનિક રાજકીય નેતાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.જો વૈકલ્પિક રસ્તો આપવામાં નહીં આવે તો મતદાન કરવામાં નહીં આવે. મોટી સંખ્યામાં મતદારો મતદાન ન કરે તો તેના પરિણાને હાલના ઉમેદવાર માટે હાર નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મતદાનના બહિષ્કાર કરવાના એલાનને કારણે રાજકીય નેતાઓ પણ ચિંતિત બની ગયા છે. મતદારો મતદાન કરશે કે બહિષ્કાર ચાલુ રાખશે. તે બાબત હજુ કહી શકાય તેમ નથી.પરંતુ મતદારો અને સ્થાનિક લોકોનો રોષ જોતાં લાગી રહ્યું છે કે જો લડતને નજર અંદાજ કરવામાં આવશે તો યોજાનારી ચુંટણીમાં હાલના સત્તા પર રહેલા ઉમેદવાર કે અનુગામીને બેઠક ગુમાવવી પડશે.તેવી લોક ચર્ચાએ ભારે જોર પકડયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *