રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના વતની હાલ અમદાવાદ રહેતા દંપતીએ વતનનું ઋણ અદા કરવા હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂપિયા પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું છે. છોટાકાશી તરીકે વિખ્યાત એવા હળવદ ના વતની શ્રીમતી દક્ષાબેન મધુસુંદનભાઈ મહેતા અને શ્રી મધુસુદનભાઈ નાનાલાલ મહેતાએ માદરે વતન હળવદનું ઋણ અદા કરવા હળવદની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માતબર રકમનું દાન કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત હળવદ ખાતે અંધ અપંગ અશક્ત ગૌમાતાનું આશ્રય સ્થાન છે અને 400 ઉપરાંત ગૌવંશ અને અબોલ જીવો આશ્રય લઈ રહ્યા છે તેવી શ્રી રામ ગૌશાળામાં નવા સેડના નિર્માણ કાર્ય માટે રૂપિયા પાંચ લાખ અગિયાર હજારની આર્થિક સહાય કરી અને વતનનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે.