રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા ગોધરા હાઈવે માર્ગ ને અડીને આવેલ પટીયા ના જંગલમાંથી પ્રેમી પંખીડાની લાશ બાવળના ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા.
શહેરા ગોધરા હાઈવે માર્ગને અડીને પટીયાનું મોટું જંગલ આવેલું છે. આ જંગલમાં આવેલ બાવળના ઝાડ ઉપર યુવાન પ્રેમી પંખીડાની લાશ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જાગૃત રાહદારીએ આ બનેલા બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા સ્થાનિક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.નકુમ તેમજ હિતેશભાઈ પ્રજાપતિ, જશું ભાઈ ,મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે જંગલમાં પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી. દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલ આ પ્રેમી પંખીડા માંથી યુવાન મંગલિયાણા ગામનો વિક્રમ બારીયા અને યુવતી મીઠાલી બે ખાતે રહેતી નિરાલી બેન બારીયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ. પોલીસ તંત્ર દ્વારા ઝાડ ઉપર લટકતી પ્રેમી પંખીડાની લાશને નીચે ઉતારીને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. આ ઘટના હાઈવે માર્ગ ને અડીને હોવાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો સાથે મોટી સંખ્યામાં લોકટોળા ઘટનાસ્થળે ઉમટી આવ્યા હતા.