બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામે પાન-માવાના બાકી રૂ.૧૨૦૦ની ઉઘરાણી કરતાં કુણી ગામના શખ્સે ઉશ્કેરાઇ જઇ કેબીનધારકને પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે સેવાલિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. ગળતેશ્વરના ટીમ્બાના મુવાડા, ઇન્દીરાનગરમાં રહેતાં રણજીતભાઇ રાવજીભાઇ રાવળ (ઉવ.૩૪)ની પાન-માવો, ચા-નાસ્તાની કેબીન થર્મલ આરાધ્ય ગ્રીન સિટીના નાકા પર આવેલી છે. રણજીતભાઇની દુકાને થર્મલ નં.૮ માં કોન્ટ્રાક્ટનું કામ કરતાં રાજુભાઇ પરમારનો દીકરો નોયેલ રાજુભાઇ પરમાર અવારનવાર આવતાં હોઇ ચા-પાન-માવાનાં ઉધાર પેટે રૂ.૧૨૦૦ ત્રણ મહિનાથી લેવાના બાકી હતા. જે બાકી નાણાંની ઉઘરાણી કેબીનધારક રણજીતભાઇએ કરતાં નોયેલ રાજુભાઇ પરમારે બોલાચાલી કરી, મારી પાસે પૈસા કેમ માગ્યા? તેમ કહી ખીસ્સામાંથી ચપ્પુ કાઢી રણજીતભાઇને છાતીના ભાગે પડખામાં, મોંઢા પર,બન્ને હાથ ઉપર ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. બુમાબુમ સાંભળી ફરિયાદી રણજીતભાઇના માસીનો દીકરો પ્રતીકભાઇ બુધાભાઇ રાવળ છોડવવા વચ્ચે પડતાં નોયેલ પરમારે તેની પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી લોહિયાળ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત રણજીતભાઇ તથા પ્રતીકભાઇને સારવાર અર્થે વડોદરા દવાખાને ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્ત રણજીતભાઇ રાવજીભાઇ રાવળ (ઉવ.૩૪)એ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં રાજુભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.