રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ પંચવટી સોસાયટી નજીક (વાધનાથ મંદિર રોડ) આવેલ જય જલારામ સેવાનીધી ટ્રસ્ટ , ડભોઇ સંચાલીત જલારામ બાપાના મંદીરે આશરે ૪૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. જ્યાં પૂ.જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી .કારતક સુદ સાતમને શનિવાર ૨૧/૧૧/૨૦૨૦ ના રોજ પુજ્ય જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી હોવાથી વર્ષોની પરંપરા મુજબ સૌ ભાવિ ભક્તો દ્વારા ભજન કીર્તન કરી ઉત્સાહભેર પુજ્ય જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે પરંતુ હાલમાં કોરોનાવાયરસ ની મહામારીના કારણે આ વર્ષે મોટા ધાર્મિક કાર્યક્રમો રદ કરી માત્ર ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા .તેમજ મંદિરના સંકુલની અંદર સેનેટાઈઝર અને માસ્કનો આવશ્યક ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ દર્શનાર્થીઓ માટે પણ સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. કારતક સુદ સાતમ એટલે જલારામ બાપાની જન્મજયંતી ઉજવણીમાં ડભોઇના ભાવિ ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી પૂ. જલારામ બાપાના મંદિરે બાપાની જન્મજયંતીના દિવસે સૌ ભાવિ ભક્તો એકબીજા સાથે મળી ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભેર પૂજાઅર્ચના કરી તેની ઉજવણી કરતા હોય છે. દર વર્ષે આ જન્મજયંતી નિમિત્તે આ મંદિરે ભંડારાનું પણ આયોજન રાખવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ભીડભાડ ઊભી ન થાય તે હેતુથી આ વર્ષે ભંડારાનું આયોજન રદ કરેલ હતું. ભક્તો માટે માત્ર પ્રસાદનું જ આયોજન કર્યું હતું.