બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
15 ડિસેમ્બર 2018 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફ્લાવર ઓફ વેલી ખાતે પીપળાના વૃક્ષનું રોપણ કર્યું હતું. એ પીપળાના વૃક્ષની આજુબાજુ સ્ટીલની ગ્રીલ પણ રક્ષણ માટે લગાવવામાં આવી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વન વિભાગે વિવિધ જાતના ઘણા વૃક્ષો વાવ્યા છે, એ વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. પણ એ વિસ્તારમાં એક એવું VVIP પીપળાનું વૃક્ષ છે જેનું વન વિભાગ દ્વારા ખાસ રીતે જતન કરવામાં આવે છે. વન વિભાગે એના ફરતે સ્ટીલની રેલિંગ કરેલી છે સાથે સાથે રોજે રોજ એને સમય સર પાણી આપવામાં આવે છે. અન્ય રોપાઓ અને વૃક્ષોની સાથે સાથે આ પીપળાના રોપાનું ખાસ જતન કરવાનું કારણ એ છે કે આજથી 2 વર્ષ પહેલાં એનું રોપણ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું.
દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15 ડિસેમ્બર 2018 ના રોજ પોતાના પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા, દરમિયાન તેમણે કેવડિયા રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફ્લાવર ઓફ વેલી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રખાયો હતો. દરમિયાન એમણે પીપળાના છોડનું રોપણ કર્યું હતું. એ પીપળો હાલ 7 ફુટ ઉંચો થઈ એકદમ વિકસિત થઈ ગયો છે. વન વિભાગ દ્વારા આ પીપળાના વૃક્ષનું ખાસ જતન કરવામાં આવી રહ્યું છે. તેને રાષ્ટ્રપતિના એક સંભારણા તરીકે ઉછેરવામાં આવી રહ્યો છે. 25 નવેમ્બરના 2020 ના રોજ રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ 80 મી ઓલ ઇન્ડિયા પ્રીસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડિયા આવી રહ્યા છે. ત્યારે તેમના હસ્તે વવાયેલ આ પીપળાની તેઓ મુલાકાત કરી પાણી રેડી પૂજા પણ કરશે એવું જાણવા મળ્યું છે. દેશના રાષ્ટ્રપતિના હસ્તે વવાયેલું આ પીપળાના વૃક્ષની આજુબાજુ સ્ટીલની ગ્રીલ પણ રક્ષણ માટે લગાવવામાં આવી છે. આ VVIP પીપળાના વૃક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી એ પીપળાની વિગત અને ફોટોગ્રાફ્સ પણ મંગાવવામાં આવ્યા છે. જેથી તેઓની વિઝીટ નક્કી છે તો એમણે વાવેલા પીપળાને વિકસિત જોઈ તેઓ પણ ખુશી અનુભવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ જ નજીક ભાત ભાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, હાલમાં તો ત્યાં રંગબેરંગી વૃક્ષોથી ફ્લાવર ઓફ વેલીની શોભામાં ઘણો વધારો થઈ રહ્યો છે.