રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવે તેવા આશયથી જુદા-જુદા વિભાગોમાં અને રાજ્ય સરકાર હેઠળના બોર્ડ-નિગમો માં ખાલી પડતી જગ્યાઓ પર ભરતીની વહીવટી મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે જવાબદાર તંત્ર અને વિભાગો દ્વારા કઈક ને કાંઈક છટકબારીઓ કે ઉભી કરેલી આધાર વગરની ફરિયાદો ધ્યાને લઈને બેરોજગાર યુવાનો ની નિમણુંક અટકાવવમાં આવે છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા કંડકટર અને ડ્રાઇવરો ની નિમણુંક અટકાવી રાખી ,તેમજ રાજ્યનાં બેરોજગાર યુવાનો ની મશ્કરી કરવામાં આવી રહી છે. ત્યારે યુવાનો માં વિરોધ કરવાની શરૂઆત જુનાગઢ જીલ્લાથી થઈ છે. ગુજરાત એસટી માં ડ્રાઈવર તરીકે નિમણૂંક મેળવવા માટે અરજીઓ કરીને મેરીટ મુજબ પસંદગી મેળવનારા ૨૨૪૯ બેરોજગાર યુવાનો ની પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ થયાં બાદ ની આખરી પરીક્ષા ગત તારીખ ૨૪/૨/૨૦૨૦ નાં યોજાયેલી હતી જે રદ્ થયાં બાદ કોરોના મહામારીના કારણે યોજાઈ નથી. ત્યારે હવે રાજય સરકાર દ્વારા તમામ પ્રકારની છુટછાટ આપવામાં આવી છે તો પણ એસટી તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી. અંતે જુનાગઢ જિલ્લા કલેકટર સમક્ષ રામભાઈ પીઠીયા અને પિયુષભાઈ વાણવી સહિતના પરીક્ષાર્થીઓ દ્વારા રજુઆત કરી કોરોના મહામારી વચ્ચે રદ્ કરવામાં આવેલી પરીક્ષા લઈને ૨૨૪૯ બેરોજગાર યુવાનો ને ડ્રાઈવર તરીકે નિમણુંક કરવા માંગ કરી છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા કંડકટર ની ભરતી કરવા અંગ ની પ્રક્રિયા બે વર્ષ પહેલાં હાથ ધરી હતી જેમાં પસંદગી મેળવનારા બેરોજગાર યુવાનોને નિમણુંક કરવામાં આવી છે. પરંતુ અનુસુચિત આદિજાતિ નાં પ્રમાણપત્ર ધરાવતાં અરજદારો ને નિગમ દ્વારા નિમણૂંક આપતાં પહેલાં ની ચકાસણી થઈલી છે, નિગમ દ્વારા મેરીટસ્ મુજબ ચોઈસ ફિલીંગ માટે ઉમેદવારો ને બોલાવી વહીવટી પ્રક્રિયા પુર્ણ થયેલી છે. અનામત રાખવામાં આવેલ જગ્યાએ નિમણુંક મેળવનાર અરજદારો ની વિજીલન્સ સેલ દ્વારા તપાસ પૂર્ણ થઈ ગઈ છે આમ છતાં આજદિન સુધી નિમણુંક આપવામાં આવી નથી. ત્યારે ચીમકી ઉચ્ચારી છે કે રાજ્ય સરકાર અને એસટી વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વક હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં તો એસટી મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવશે.