જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૭૮૭૮ વિદ્યાર્થીઓને પદવી અને ૩૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરવામાં આવ્યા
પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ઓનલાઇન માધ્યમથી યોજાયો હતો. યુનિવર્સિટીના જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૭૮૭૮ વિદ્યાર્થીઓને પદવી અને ૩૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને આ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ પાઠવતા જીવનના આગામી તબક્કામાં સમાજ પ્રત્યેની તેમની જવાબદારીથી વાકેફ કર્યા હતા. કાર્યક્રમના અતિથી વિશેષ પદેથી બોલતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ અભિનંદન પાઠવતા સફળ અને સાર્થક કેરિયરના નિર્માણ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે ડિગ્રી મેળવ્યા બાદની દુનિયામાં રહેલ તકોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય અને ઉભા થતા પડકારોનો અસરકારક રીતે સામનો કઈ રીતે કરવો તે અંગે જણાવ્યું હતું. કોરોના કટોકટીના કારણે ઓનલાઇન માધ્યમથી યોજાયેલ આ પદવીદાન સમારોહનું યુનિવર્સિટીની વેબસાઈટ, ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૫ હજારથી વધુ વ્યક્તિઓ જોડાઈ હતી. કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંતશ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.