રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ડાકોર મંદિરમાં 20 વર્ષ પહેલા સોનુ ચોરીને ફરાર આરોપીને ડાકોર પોલીસે યુપીના જૉનપુર જિલ્લામાંથી ઝડપી પાડીને ગતરોજ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને બિલોદરા જેલમાં મોકલી આપવાનો કોર્ટે હુકમ કર્યો છે. ભગવાનના દાગીના ચોરનાર આરોપી પાસેથી પોલીસને વધુ કશી જાણકારી ન મળતા સ્થાનિક નાગરિકો રોષે ભરાયા છે.
આરોપી રાજેન્દ્ર રાજપથ તિવારી 20 વર્ષ પહેલા ડાકોર મંદિરે થી લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઇ ગયો હતો. આરોપી કરજણ જઇ જૂગાર રમતો હોવાની વિગતો પણ બહાર આવી છે. જુગાર રમવા માટે આરોપી રાજેન્દ્ર તિવારી મંદિરના દાગીના કેટલાક સ્થાનિક લોકોને મોંઘા ભાવના દાગીના ગીરવે પણ આપતો હતો. નડિયાદ સિવિલ કોર્ટમાં આ બનાવ અંગેનો કેસ ચાલ્યો હતો, પરંતુ મુખ્ય આરોપી પકડાયો ન હતો ,અને કેટલાંક પુરાવાઓના અભાવે ગત્ તા. ૨૯.૨.૨૦૨૦ના રોજ નડિયાદ કોર્ટે દાગીના ચોરીમાં સંડોવાયેલા ૧૧ ઇસમોને નિર્દોષ છોડી મૂક્યા હતા.
જયારે ગતરોજ આરોપી રાજેન્દ્ર તિવારીને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડાકોર પોલીસને આરોપી પાસેથી કોઇ બાતમી મેળવવામાં સફળતા ન મળતા પોલીસે દશ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તેમજ આરોપી દ્વારા કોઇ મૂદામાલ બતાવવામાં આવ્યો ન હતો. ડાકોર પોલીસ આરોપીને મૂંબઇ લઇ ગઇ હતી જ્યા હાર વેચ્યો હતો.અને જ્યા ટ્રક ખરીદી કરી હતી. તે બધી તપાસના કામે બે દિવસ બોમ્બે લઇ જવામાં આવ્યો હતો.પરંતુ રીઢા ગુનેગારે પોલીસને જ ગોળગોળ ફેરવી હતી.
આરોપી જ્યારે કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો ત્યારે મંદિર તરફથી કોઇ વકીલ રોકી રજૂઆત કરવામાં આવી ન હતી.જેથી ડાકોરના રહીશોમાં ડાકોર મંદિર કમીટી ના ટ્રસ્ટી અને વહીવટ કરતાઓ માટે નારાજગી ફેલાઇ રહી છે. ગતરોજ આરોપી રાજેન્દ્ર રાજપથ તિવારીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને બિલોદરા જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે
.