રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે ગોધરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર પાનમની પાઇપલાઇન લીકેજની કામગીરી કર્યા બાદ યોગ્ય મરામત કરવામાં આવી નથી. હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહયો છે. કોઈ મોટી ઘટનાની રાહ સંબંધિત તંત્ર દેખી રહયુ છે કે શું?
શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે લુણાવાડા થી ગોધરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર પાનમની પાઇપલાઇન લીકેજ હોવાથી તેની મરામત પાણી પુરવઠા તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. પાણી પુરવઠા દ્વારા પીવાના પાણીની લાઈનની મરામત કર્યા બાદ હાઇવે માર્ગ ઉપર માટીના ઢગલા હટાવવામાં આવ્યા નથી. તેમજ યોગ્ય પુરાણ પણ કરવામાં નહી આવ્યુ હોવાનુ વાહનચાલકો પાસેથી જાણવા મળ્ય છે. આ હાઇવે માર્ગ દિલ્લી બોમ્બે ને જોડતો હોવાથી નાના-મોટા વાહનોની અવર જવર સતત રહેતી હોવાથી અહીથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહયો છે. રાત્રીના સમયે હાઇવે માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટો પણ નહી હોવાથી અમુક બાઇક ચાલકો માટીના ઢગલા પર ચડી જતા તેમના વાહનોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ હાઈવે માર્ગ ઉપર સ્થાનિક રાજ્ય અને બહાર ના રાજ્યના વાહન ચાલકો પોતાની કાર સહિતના વાહનો લઈને અહીથી પસાર થતા હોય છે. ત્યારે ટ્રક જેવા મોટા વાહનો સાથે ટોલ ટેક્ષ વસૂલતી એલ એન્ડ ટી કંપની સહિત અન્ય તંત્રએ ઉપરોક્ત આ બાબતની કોઈ પણ ગંભીરતા અત્યાર સુધીમાં લીધી નથી. ત્યારે કોઈ મોટી ઘટના બને ત્યારબાદ હાઈવે માર્ગ ઉપર યોગ્ય કામગીરી કરાવશે કે શુ? હાઈવે માર્ગ ઉપર થી પસાર થતા વાહનચાલકો પણ માર્ગની મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરી રહયા છે
.