ખેડા જિલ્લામાં ચોરી તેમજ લૂંટના ગુનામાં સંડોવાયેલ હુસેન ભઠ્ઠી ઝડપાયો

Kheda
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા


ખેડા જિલ્લા સહિત પાંચ જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ લૂંટ ચલાવી આતંક મચાવનાર વોન્ટેડ આરોપીને કઠલાલ પોલીસે કઠલાલ-અમદાવાદ રોડ પર આવેલા ખોખરવાડા ટી પોઈન્ટ પાસેથી પકડી પાડીને વધુ તપાસ અર્થએ રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલાક ગુનાઓ પરથી પર્દાફાશ થવાની શક્યતા જોવાઈ રહી છે. મળતી માહિતી મુજબ કઠલાલ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઝુંબેશ હાથ ઘરી હતી. દરમ્યાન પોલીસને એવી માહિતી મળી હતી કે છેલ્લા ચાર વર્ષથી કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢો ઘરફોડીયો હુસેન ઉર્ફે બિલ્લો યાસીનભાઈ ભઠ્ઠી (રહે. કઉકુકડી, તા.મોડાસા, જિ.અરવલ્લી) કઠલાલ પોલીસ મથક વિસ્તારમાં તસ્કરી કરવાનો પ્લાન બનાવી રહ્યો છે. અને અવારનવાર આ વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે. જેના આધારે કઠલાલ પોલીસે કઠલાલ-અમદાવાદ હાઈવે પર આવેલા ખોખરવાડા ટી પોઈન્ટ નજીક વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન આ રીઢો ઘરફોડીયો બિલ્લો આવતાં પકડાઈ ગયો હતો. તપાસ કરતાં તે કઠલાલ પોલીસ મથકમાં સન ૨૦૧૬માં બે ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે ખેડા જિલ્લા ઉપરાંત અરવલ્લી, મહેસાણા, મહિસાગર, અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ તેમજ લૂંટના ગુનામાં અગાઉ પકડાયો હોવાનું કબુલ્યું છે. તેની વધુ પૂછપરછમાં તેના સાગરિત સત્તારભાઈ અલ્લારખા ભઠ્ઠી (રહે કઉકુકડી) નામ પણ ખુલ્યું છે. આ બંને ભેગા થઈ કપડવંજ ટાઉન પોલીસની હદમાં એક માસ અગાઉ સોના ચાંદીના દાગીના, રોકડ મળી કુલ ૩,૮૩,૦૦૦ ની મત્તા ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *