જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ૪૭૬ લાખથી વધુના ખર્ચે ૧૦,૬૪૫ ઘરોને નળજોડાણ આપતી ૩૪ ગામની યોજનાઓને મંજૂરી આપવા સહિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. આ ૩૪ ગામોમાં ઘોઘંબાના ૭ ગામ, ગોધરા તાલુકાના ૫, શહેરા તાલુકાના ૦૭, મોરવા (હ) તાલુકાના ૦૩, હાલોલ તાલુકાના ૦૯ અને કાલોલ તાલુકાના ૦૩ ગામોનો સમાવેશ થાય છે. નળ સે જળ મિશન હેઠળ જિલ્લાના તમામ ગામોના તમામ ઘરોને ઘરે નળ જોડાણ આપવાને પ્રાથમિકતા અપાઈ રહી છે ત્યારે કલેક્ટરશ્રીએ જિલ્લામાં આ દિશામાં થઈ રહેલી કામગીરી, મંજૂર કરાયેલ યોજનાઓમાં થયેલ પ્રગતિ, કેટલા ગામોમાં સર્વેની સ્થિતિ, ડ્રોપ કરાયેલ યોજનાઓ સહિતની બાબતો અંગે સુક્ષ્મ વિગતો મેળવી હતી. તેમણે મોરવા હડફ વિસ્તાર સહિત જ્યાં નળ જોડાણ ઓછું છે ત્યાં વધુ ધ્યાન આપવા અને જ્યાં લોકફાળાનો પ્રશ્ન નથી ત્યાં કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, આંગણવાડી, પ્રાથમિક શાળા, સી.એચ.સી.-પી.એચ.સી. સહિતના સરકારી સુવિધાઓ આપતા સ્થળોએ પણ નળ જોડાણ સહિતની પાણીની સુવિધા પૂર્ણરૂપે ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. અત્યાર સુધી કુલ ૧૩૦ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૫,૪૫૦ જેટલા ઘરજોડાણ આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, વાસ્મોના યુનિટ મેનેજર મીતાબેન મેવાડા, પાણી પુરવઠા ના.કા.ઈ કે.કે.બોદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
