પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં ડીપી બળી જતા સ્થાનિક ગ્રામજનો ચાર દિવસથી અંધારામાં જીવન જીવી રહ્યા છે. એમ.જી.વી.સી.એલ તંત્ર ને સ્થાનિક ગ્રામજનોની અનેક રજૂઆત બાદ વીજ ડીપી નાખવાની તજવીજ હાથધરી હતી.આ વિસ્તારમાં વીજ સમસ્યા પણ દૂર થાય તે પણ જરૂરી છે.
શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં 100 ઉપરાંત રહેણાંક ઘરો આવેલા છે. આ ગામમાં પાછલા ચાર દિવસથી વીજ ડીપીમાં ખામી સર્જાતા ગામ મા અંધારપટ છવાયો હતો. આ ગામના જાગૃત નાગરિક કમલેશ ભાઈ,નરેન્દ્ર ભાઇ તેમજ દેવેન્દ્રભાઈ સહિતનાઓ એ એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે જાણ કરી હતી.ગ્રામજનોની રજૂઆત બાદ પણ ત્રણ દિવસ સુધી નવી વીજ ડીપી નાખવામાં નહી આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ સ્થાનિક ગ્રામજનો અંધારૂ થતા પહેલા પરિવાર સાથે ચીમનીના અજવાળે જમવાનું જમતા હતા. જ્યારે મોબાઈલ અને બેટરી ચાર્જ કરવા માટે બાજુના ગામમા જવાની નોબત આવી હતી. આ ગામ ના વીજ ઉપભોક્તાઓ એ બળી ગયેલ વીજ ડીપી વિજ કચેરી દ્વારા જલ્દી નાખવામાં આવે તેવી અનેક રજૂઆત બાદ વીજ કચેરી દ્વારા વીજ ડીપી નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ વિસ્તારની વીજ સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.