પ્રતિનિધિ,પંચમહાલ મિરર,વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ વિભાગોની યોજનાઓની સપ્ટેમ્બર અંત સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો.ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં સાંસદ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, સ્માર્ટ સીટી અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી.રાજયમંત્રી બચુભાઇ ખાબડે બેઠકમાં યોજનાઓ ઝડપથી કાર્યાન્વિત કરી આટોપવામાં ઉપરાંત ગુણવત્તાભેર કામો કરવા પર ભાર મૂકયો હતો. તેમણે સિંચાઇ યોજનાઓની કામગીરી પણ ત્વરિત કરવા જણાવ્યું હતું જેથી ખેડૂતો યોગ્ય સમયે તેનો લાભ ઉઠાવી શકે.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય સર્વે રમેશભાઇ કટારા, ચંદ્વિકાબેન બારીયા, વજેસિંગભાઇ પણદા, કલેક્ટર વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, ડીઆરડીએ નિયામક સી.બી બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.